Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મારા જિલ્લાના આદિવાસીઓ વતી રૂપાણી સાહેબ તમારો હું દિલથી આભાર વ્‍યક્‍ત કરૂ છું: ઇકો સેન્‍સેટિવ ઝોન મુદ્દે નારાજગી બાદ રાજીનામુ આપીને પરત ખેંચી લેનાર મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સ્‍ટેજ ઉપરથી મુખ્‍યમંત્રીનો આભાર માન્‍યો

રાજપીપળા: નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા સ્થાનિક આદિવાસીઓમાં વિરોધના સુર ઉઠ્યા હતા, નમૂના નંબર 7 માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીનો વિરોધ થઈ રહ્યો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવા હળવો કરવા PM મોદી તથા CM રૂપાણીને લેખિત રજુઆત કરી હતી, તે છતાં સરકારે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.પછી એ જ સમયગાળામાં નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી સાંસદ મનસુખ વસાવાએ ભાજપ માંથી રાજીનામુ ધરી દીધું હતું.જો કે મોવડી મંડળ એ સમજી ગયું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન વિરુદ્ધમાં જ મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યું છે.

અંતે ગાંધીનગરમાં ગુજરાતના વન મંત્રી ગણપત વસાવાએ આદિવાસી આગેવાનો સાથે બેઠક કરી અને CM રૂપાણીએ આદેશ આપ્યો કે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ કરો.નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ કિસાન સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એ જ ઘટનાને વાગોળી હતી.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાચા અર્થમાં ગરીબો અને આદિવાસીઓની ચિંતા કરે છે.એમણે આદીવાસી વિસ્તારમાં પેસા એક્ટનો અમલ કરાવ્યો, જંગલની જમીન આદિવાસીઓને આપવાનો નિર્ણય કર્યો.નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા નારાજગી પેદા થઈ હતી.મેં પોતે એમને રજુઆત કરી ત્યારે એમણે આ મામલે અભ્યાસ કર્યો વન મંત્રી ગણપત વસાવા અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી રદ કરવાનો નિર્ણય કર્યો.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું મારા જિલ્લાના આદિવાસીઓ વતી રૂપાણી સાહેબ તમારો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે નાનો અને ગરીબ માણસ મોટો થાય એ માટે વિજય રૂપાણી કાર્યરત છે.હાલ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બધા પ્રશ્નો હલ થયા છે.મનસુખ વસાવાએ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે હું નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામે ભજનમાં ગયો હતો તો એ ગામમાં ખેતરે રાત્રે પાણી વાળવામાં એક વૃદ્ધને સાપ કરડ્યો અને એનું મૃત્યુ થયું ત્યારે એ વખતે આદિવાસીઓએ કિસાન સૂર્યોદય યોજનાને યાદ કરી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીનો આભાર માન્યો હતો એ ઘટનાનો હું સાક્ષી છું.

(4:49 pm IST)