Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઃ રાજ્‍યભરમાં 1 લાખથી વધુ ગ્રુપ બેઠકો અને ખાટલા બેઠકો યોજશેઃ 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્‍યાપક જનસંપર્ક કરાશે

ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષ (ભાજપ) આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યભરમાં એક લાખથી વધુ ગ્રુપ અને ખાટલા બેઠકો યોજશે. 12 જાન્યુઆરી સુધી તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ કરી લેશે. 16થી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરશે.

ભાજપના પ્રદેશ પ્રવકતા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ મહેશ કસવાલાએ ગુરુવારે આ માહિતી આપી હતી.

કસવાલા એ જણાવ્યું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મામલે બેઠકો યોજાઇ. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બે દિવસથી ભાજપની વિવિધ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઇ હતી.

ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાજ્યભરમાં યોજાવા જઇ રહેલી આ ચૂંટણીઓ અતિમહ્ત્વની છે. 5મી જાન્યુઆરીએ મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકો તેમજ ગઈકાલે 6 જાન્યુઆરીએ ભાજપના તમામ મોરચાના પ્રદેશ આગેવાનોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારોએ મોરચાના જિલ્લાના અપેક્ષિત અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી.

ગુરુવારે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે કસવાલાએ ભાજપના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે 12 જાન્યુઆરી સુધીમાં ભાજપના તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ થશે. તા. 16થી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે.

ભાજપનો પ્રત્યેક મોરચો તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ પત્રિકા સાથે મતદારો પાસે જઈ ભાજપ સરકારની કામગીરીથી અવગત કરશે. ભાજપ સરકારે કરેલી પ્રજાહિતની કામગીરી, જનકલ્યાણકારી યોજનાઓ, ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વવ્યાપી, સર્વસ્પર્શી બને તે માટે ભાજપ દ્વારા જનસંપર્કનું આ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે તેમ કસવાલાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ 41 જિલ્લા/મહાનગરોમાં ભાજપ મીડિયા વિભાગના યોજાનાર વર્કશોપનો આજથી પ્રારંભ થયો છે, આગામી એક અઠવાડિયામાં જિલ્લા સ્તરે ભાજપના મીડિયા વર્કશોપ યોજાશે, ત્યારબાદ ભાજપના 579 સંગઠનાત્મક મંડલોમા પણ મીડિયા વિભાગ દ્વારા ગ્રૂપ બેઠકો યોજાશે. ભાજપના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા પણ 12 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લા/મહાનગરોમાં બેઠકો પૂર્ણ થશે અને તમામ મંડલોમા પણ સોશિયલ મીડિયામાં રુચિ ધરાવતા 20-25 કાર્યકર્તાઓ સાથે ગ્રૂપ મિટિંગો યોજાશે.

(4:50 pm IST)