Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કોંગ્રેસના રાજમાં ખેડૂતોના આત્‍મહત્‍યાના બનાવો વધુ બનતા હતા, વિજળી-પાણી-રસ્‍તાઓના ઠેકાણા ન હતા, બધુ રમણભમણ હતુઃ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાના પ્રારંભે વિજયભાઇ રૂપાણીના પ્રહારો

રાજપીપળા:  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અને 152 કરોડના ખર્ચે પાણી પુરવઠનાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જો ખેડૂતોની વીજળી અને પાણીની અપેક્ષાઓ પૂર્ણ થાય તો ખેડૂતોમાં એટલી તાકાત છે કે દેશની ભૂખ ભાંગી શકે.કોંગ્રેસના સમયમાં વીજળી, પાણી, રસ્તાઓના ઠેકાણા નહોતા બધું રમણ ભમણ હતું.કોંગ્રેસ પ્રજાથી વિમુખ થઈ ગઈ, કોંગ્રેસે ફક્ત વ્યક્તિગત સત્તા ભોગવી અને ભ્રષ્ટાચારમાં જ રચી પચી રહી હતી, કોઈની સુવિધાનો વિચાર ન્હોતો કર્યો.

વિજય રૂપાણીએ જણાવ્યું કે અગાઉ કોંગ્રેસના સમયમાં લંગડી વીજળી હતી જેથી ખેડૂતોના પાકો મુરજાઈ જતા હતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હતો.ભાજપે જ્યોતિગ્રામ યોજનાથી 100 ગામોમાં 3 ફેઝ લાઈટો આપી.ગુજરાતના ખેડૂતો વીજળી, પાણી, ટેકના ભાવ માટે ગાંધીનગર આંદોલન કરવા ગયા ત્યારે કોંગ્રેસે ખેડૂતોને ગોળીઓ મારી હતી.કોંગ્રેસે આદિવાસીઓના નામે સરકાર બનાવી પણ એમનો ઉદ્ધાર ન કર્યો.કોંગ્રેસના રાજમાં ખેડૂતોના આત્મહત્યાના બનાવો વધુ બનતા હતા.

વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાજપે આદીવાસી વિસ્તારમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે.ભાજપ સરકાર ખેડૂતોની, આદિવાસીઓની અને પીડિતોની ચિંતા કરે છે.સરકારે નક્કી કર્યું છે કે ખેડૂતોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે એમને ખેતી માટે દિવસે વિજળી મળે અને રાત્રે આરામ કરે, 2022 સુધીમાં 18,000 ગામોમાં દિવસે વીજળી મળતી થઈ જશે.ટેકના ભાવની વાત હોય, પાક વિમાનો પ્રશ્ન હોય, શુદ્ધ પાણીનો પ્રશ્ન હોય કે પછી વીજળીનો પ્રશ્ન હોય ભાજપ સરકાર હમેશા ખેડૂતોની ચિંતા કરે છે.

વિજય રૂપાણીએ જણાવ્યું કે ખેડૂતોની આવક બમણી થશે તો ગામડા અને શહેર સુધી પૈસા જશે અને દેશમાં પૈસા આવશે તો લોકો સુખી થશે.કોંગ્રેસે ફક્ત પૈસા વાળા અને ઉદ્યોગપતિઓ પર ધ્યાન આપ્યું છે.હવે અંધારાઓને ઉલેચી દીવો સળગાવવાનો ભાજપે સંકલ્પ લીધો છે.કોંગ્રેસના સમયમાં હેન્ડપંપ સીચી સીચીને મહિલાઓના બાવડા રહી ગયા હતા, ક્ષારયુક્ત પાણીથી લોકો રોગના ભોગ બની રહ્યા હતા.પીવાના ગંદા પાણીથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા.આગામી 2023 સુધીમાં અમે 100% ઘરોમાં નલથી જળ યોજના થકી શુદ્ધ પાણી પહોંચડીશું.

વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાજપ જ્યાં ખાતમુહૂર્ત કરે એનું લોકાર્પણ પણ કરે જ છે, જ્યારે કોંગ્રેસ ફક્ત ખાતમુહૂર્ત જ કરે છે સરદાર સરોવર નર્મદા ડેમ એનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન માધ્યમથી કેવડિયા- બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-શુભારંભ કરાવશે.જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરાશે જે અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડશે.આ ઉપરાંત 18 મી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.

(4:50 pm IST)