Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વડોદરામાં ઓનલાઇન કંપનીમાં ભાગીદારી આપવાનું કહી 13.50 લાખ પડાવી છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:ઓનલાઈન વિવિધ વસ્તુઓનું વેચાણ કરતી કંપનીમાં ભાગીદાર બનાવી રૂપિયા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ થકી 13.50 લાખ પડાવી 13.23 લાખની છેતરપિંડી આચરવાનો બનાવો વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના મીરા ચાર રસ્તા નજીક રહેતા અલ્કેશભાઇ પ્રજાપતિ તેમજ તેમના પત્ની હરણી રોડ પર આવેલા વૃંદાવન ટાઉનશીપ મા આર્ટીકલ અને રેડીમેડ ગારમેન્ટની અલગ- અલગ દુકાન ધરાવે છે. વર્ષ 2011 દરમિયાન મિત્ર થકી રાકેશભાઈ અંબાલાલ પટેલ (રહે -સાઈનાથ સોસાયટી ,વાસણા રોડ ,વડોદરા/ મૂળ રહે- ભરૂચ ) સાથે પરિચય થયો હતો. જે દરમિયાન તેઓએ " રિજોઇસ વાઈબ્સ " નામની ઈ-કોમર્સ ઓનલાઈન વિવિધ વસ્તુઓના વેચાણ વ્યવસાય સાથે જોડાયેલી કંપનીમાં ભાગીદારીની ઓફર કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ 1.50 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ રાકેશભાઈએ કંપનીમાં નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી વધુ 12 લાખ રૂપિયાની માંગ કરતા કુલ 13.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જે અંગે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સમજૂતી કરાર પણ કર્યો હતો. 

વિશ્વાસ કેળવવા રાકેશભાઈએ કંપનીના રૂપિયા 5 લાખ તથા રૂપિયા 3.50 લાખના બે એકાઉન્ટ પે ચેકો નોટરી સમક્ષ આપ્યા હતા જે રિર્ટન થયા હતા. વારસિયા પોલીસે ફરિયાદના આધારે રાકેશભાઈ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

(5:08 pm IST)