Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વડોદરા નજીક લક્ષ્મીપુરા ગામની સીમમાં મેચ પર સટ્ટો રમાડતા પાદરાના શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: નજીક લક્ષ્મીપુરા ગામની સીમમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબેસ-૨૦૨૦ મેચ પર સટ્ટો રમાડતા પાદરાના શખ્સને જિલ્લા એસઓજીએ ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે લક્ષ્મીપુરા ગામની સીમમાં ભેંસાસુર મહારાજના મંદિર નજીક મોબાઇલ પર ઓસ્ટ્રેલિયા ખાતે રમાતી બીગબેસ-૨૦૨૦ મેચોનો સટ્ટો એક શખ્સ રમાડે છે તેવી માહિતી જિલ્લા પોલીસને મળતા પોલીસે ગઇકાલે સાંજે વોચ ગોઠવી ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને બે મોબાઇલ, નોટબુક તેમજ બે મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો.

ઝડપાયેલા શખ્સે પોતાનું નામ ઝાકીર યુસુફ ગરાસીયા (રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી, જાસપુર રોડ, પાદરા) જણાવ્યું હતું તેમજ તેની પાસેથી મળેલા બે પૈકી એક મોબાઇલમાં લાઇન ગુરુ એપમાં લાઇવ મેચ જોઇ બીજા મોબાઇલથી સટ્ટો લઇ રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. લાઇન ગુરુ એપમાં એડિલેઇડ સ્ટ્રાઇક અને મેલબોર્ન રેવેન્જ વચ્ચે મેચ રમાતી હોવાનું જણાયું હતું. પોલીસે બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ઝાકીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:08 pm IST)