Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ સુવિધાઓ માટે રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરતી કેન્દ્ર સરકાર:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

રાજ્યના ૨૮ જિલ્લાના ૧૭૧૫ કિ.મી. ના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરાશે

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં માર્ગ સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો કર્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યમાં માર્ગ સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પંચાયતીરાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો રાજ્યના નાગરિકો વતી આભાર માનતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં ૧૭૧ માર્ગોના ૧૭૧૫.૪૯ કિ.મી. ના ગ્રામ્ય રસ્તાઓ કે જે હાલ ૩.૭૫ મીટરના છે તેને ૫.૫૦ મીટર પહોળા કરવા માટે રૂ.૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.  
તેમણે ઉમેર્યુ કે, આ માર્ગો પહોળા થવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પોતાનો પાક એપીએમસી સુધી લઇ જવામાં સરળતા મળશે એ જ રીતે વિદ્યાર્થીઓને પણ શાળાઓ સુધી જવામાં સરળતા થશે તેમજ નાગરિકોને પરિવહન માટે પણ સરળતાથી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેના પરિણામે નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ આવશે.

(7:21 pm IST)