Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વડોદરામાં માસ્ક અને હેલ્મેટ વગર ફરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વડોદરાના પોલીસ કમિશનરનું દ્રષ્ટાતરૂપ પગલું : એક જાગૃત નાગરિકે નિયમોના લીરેલીરા ઉડાવી રહેલા કોન્સ્ટેબલનો વિડીયો ઉતારીને વાયરલ કરી દીધો હતો

વડોદરા, તા. : સામાન્ય પ્રજાના નાક નીચેથી માસ્ક સરકી જાય તો પણ મેમો ફાડતી પોલીસ માટે જાણે માસ્ક કે ટ્રાફિકના કોઈ નિયમ લાગુ ના પડતા હોય તેમ વડોદરાના એક કોન્સ્ટેબલ દ્વારા છડેચોક તેનો ભંગ કરવાના મામલે શહેર પોલીસ કમિશનરે કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. કોન્સ્ટેબલનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે તે નંબર વગરની બાઈક ચલાવતો હતો, તેણે માસ્ક કે હેલ્મેટ નહોતા પહેર્યા તેમજ તે ફોન પર પણ વાતો કરી રહ્યો હતો.

ગઈકાલે એક જાગૃત નાગરિકે નિયમોના લીરેલીરા ઉડાવી રહેલા કોન્સ્ટેબલનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેની પોલીસ કમિશનરે નોંધ લેતા અધિકારીઓને કોન્સ્ટેબલ કોણ છે તે તપાસ કરવા આદેશ આપ્યા હતા. જેમાં બહાર આવ્યું હતું કે, રમેશ ગોવિંદ નામનો કોન્સ્ટેબલ કંટ્રોલ રુમમાં ફરજ બજાવે છે.

પોતાનો વિડીયો ઉતરી રહ્યો છે તેની જાણ થતાં કોન્સ્ટેબલ વિડીયો બંધ કરાવવા દોડી ગયો હતો. બાઈક ઉભી રાખીને દોડી આવેલા કોન્સ્ટેબલે વિડીયો ઉતારનારાને મારી ભૂલ છે, મને માફ કરી દે ભાઈ.. માસ્ક ભૂલી ગયો છું તેવી વાત કરી હતી અને માસ્ક ઘરે ભૂલી ગયો છું તેમ કહ્યું હતું. વિડીયો ઉતારનારાએ વિડીયો ઉતારવાનું બંધ ના કરતા કોન્સ્ટેબલ પોતાનું મોઢું છૂપાવવા લાગ્યો હતો.

દરમિયાન રસ્તા પર બીજા પણ કેટલાક લોકો ભેગા થઈ જતાં કોન્સ્ટેબલ બચાવની મુદ્રામાં આવી ગયો હતો. તે કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેવો સવાલ પૂછાતા કોન્સ્ટેબલે પોતે બાપોદ પોલીસ સ્ટેશનનો કર્મચારી હોવાનું કહ્યું હતું. જોકે, તપાસમાં બહાર આવ્યું છે કે તેમાં પણ કોન્સ્ટેબલે જૂઠ્ઠાણું ચલાવ્યું હતું, અને ખરેખર તો તે કંટ્રોલ રુમમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, માસ્કના નિયમનો ભંગ કરનારા પાસેથી એક હજાર રુપિયાનો દંડ વસૂલવાનો પોલીસને સરકારે આદેશ કર્યો છે. જેના કારણે ઘણીવાર પોલીસ અને પબ્લિક વચ્ચે રકઝક પણ થતી હોય છે. ઘણા કિસ્સામાં તો દંડની રકમ સાંભળીને ગુસ્સે થઈ જતી પબ્લિક પોલીસ સાથે ઝપાઝપી પણ કરી બેસતી હોય છે. બીજી તરફ, ઘણીવાર પોલીસકર્મી પોતે માસ્કના નિયમનું પાલન ના કરતા હોવાના લોકો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકી દેતા હોય છે. અમદાવાદમાં ગયા મહિને સોસાયટીમાં માસ્ક વગર ફરતા એક શખ્સને એક પોલીસ કોન્સ્ટેબલે વરદીનો પાવર બતાવતા તેને જાહેરમાં લાકડીથી ફટકાર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઈ જતાં કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સિવાય અમદાવાદમાં માસ્ક મામલે પોલીસ સાથે બબાલ કરવાના કેસમાં પણ અત્યારસુધી ચારથી વધુ લોકો સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે.

(9:01 pm IST)