Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

'માસ્કનો દંડ નહીં ભરૂં, રૂપિયા મફતમાં નથી આવતા’ કહી યુવકે પોલીસ જવાનને લાફો માર્યો

અખબારનગર સર્કલ પાસે કાર રોકી માસ્ક ન પહેરનાર યુવકને દંડ ભરવાનું કહેતા અપશબ્દો બોલી,ટ્રાફિક બૂથમાં તોડફોડ કરીને જવાનને લાફો ઝીક્યો

અમદાવાદ :ટ્રાફિક પોલીસે અખબારનગર સર્કલ પાસે કાર રોકી માસ્ક ન પહેરનાર યુવકને દંડ ભરવા કહ્યું હતું. દંડની વાત સાંભળી યુવકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. યુવકે પોલીસને અપશબ્દો બોલી માસ્કનો દંડ હું ભરવાનો નથી, રૂપિયા મફતમાં નથી આવતા તેમ કહી ટ્રાફિક બુથમાં તોડફોડ કરી હતી. બાદમાં યુવક અને તેની માતા બૂથમાંથી બહાર આવી ગયા હતા. પોલીસ જવાને દંડ ભરવાનું કહેતા યુવકે તેમણે લાફો મારી દીધો હતો. 

અખબારનગર વાડજ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધરમવીર રતિલાલએ વાડજ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય મીરાજ હસિતભાઈ ત્રિવેદી અને તેની માતા હેતલબહેન ત્રિવેદી બન્ને રહે, સક્ત વેલી, સત્યમેવ હોસ્પિટલ પાછળ, ચાંદખેડા વિરુધ્ધ ફરજ પર રહેલા સરકારી કર્મચારી હર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ બુધવારે રાત્રે અખબારનગર પાસે ટ્રાફિક પોલીસે કાર ચાલકે માસ્ક ન પહેર્યું હોવાથી વાહન રોકયું હતું. પોલીસે માસ્કનો દંડ ભરવા યુવકને કહ્યું હતું. યુવક મીરાજે પોલીસને પોતે હોસ્પિટલથી તેની માતા સાથે આવતો હોવાથી માસ્ક પહેરવાનું રહી ગયાની વાત કરી હતી. પોલીસે રૂ.1000 હજારનો દંડ ભરવાની વાત કરી હતી. ટ્રાફિક જામ થતો હોઈ પોલીસે કાર સાઈડમાં લેવડાવી હતી. તે સમયે મીરાજે તેના પિતા હસીતભાઈ સાથે ફોન પર હેડ કોન્સ્ટેબલ ધરમવીરભાઈને વાત કરાવી હતી

હસિતભાઈએ પોલીસને તેમના પુત્ર પાસે પૈસા ન હોવાથી તેઓ ગૂગલ પે થકી દંડની રકમ તેમના સાથી કર્મચારીના ફોનમાં ટ્રાન્સફર કરે છે. આથી પોલીસ મીરાજ અને તેની માતા હેતલબહેનને ટ્રાફિક બૂથમાં લઇ ગયા હતાં. તે સમયે અચાનક મીરાજે ઉશ્કેરાઈ પોલીસને અપશબ્દો બોલી ટ્રાફિક બૂથમાં તોડફોડ કરી અને હેતલબહેન સાથે બહાર આવી બુમાબુમ કરી લોકોએ ભેગા કર્યા હતા. હેતલબહેન પણ પોલીસને જેમફાવે તેમ બોલતા હતા.

પોલીસ જવાન ધરમવીરભાઈએ ફરી માસ્કનો દંડ ભરવાનું કહેતા મીરાજે ઉશ્કેરાઈ તેઓને લાફો મારી દીધો અને પોલીસ વિશે બિભસ્ત ભાષાનો પ્રયોગ કરવા લાગ્યો હતો. આખરે વાડજ પોલીસે મીરાજ અને તેની માતા હેતલબહેન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

(11:34 pm IST)