Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

પ્રસાદ બદલાતા અંબાજીની ૩૦૦ મહિલાઓ આજીવિકા ગુમાવશે

મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવાના ટ્રસ્‍ટી મંડળના નિર્ણયનો વિરોધ

અંબાજી, તા.૭: અંબાજી મંદિર ટ્રસ્‍ટનો મંદિરમાં પ્રસાદ તરીકે ફકત ચીકી આપવાનો નિર્ણય ૩૦૦ સ્‍થાનિક મહિલાઓની રોજી રોટી છીનવી લેશે. આ મહિલાઓ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતો મોહનથાળ બનાવતી હતી. મોહનથાળ બનાવવાનું કામ આઉટસોર્સિગ દ્વારા સ્‍થાનિક કોન્‍ટ્રાકટરને અપાયુ હતું. જેણે આ કામ માટે આ ૩૦૦ મહિલાઓને કામ પર રાખી હતી. મંદિર ટ્રસ્‍ટના મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો સર્વત્ર વિરોધ થઇ રહ્યો છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મોહનથાળની જગ્‍યાએ ચીકી પ્રસાદ તરીકે આપવાના નિર્ણયથી મોટી કંપનીઓ કોન્‍ટ્રાકટ લઇ જશે અને સ્‍થાનિક લોકોની રોજીરોટી છીનવાઇ જશે. દેશના સૌથી જૂના આ પક્ષનો આક્ષેપ છે કે મોહનથાળ કરતા ચીકી સસ્‍તી છે અને આ નિર્ણય મંદિરનો નફો વધારવા માટે લેવાયો છે.

તો મંદિર પ્રશાસન પણ મક્કમ છે કે નિર્ણય પાછો નહી ખેંચવામાં આવે. અત્‍યારે પ્રસાાદની ચીકીનું ઉત્‍પાદન કલોલના નંદિની ગૃહ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જયારે મોહનથાળનું ઉત્‍પાદન સ્‍થાનિક એજન્‍સી કરતી હતી.

મંદિર ટ્રસ્‍ટના એક મેનેજરે કહ્યું કે મોહનથાળનો પ્રસાદ આમ તો લગભગ સો વર્ષથી ચાલુ છે પણ ૧૯૭૨થી તે સામાન્‍ય કરી દેવાયુ છે. મંદિર પ્રશાસને ૨૮ ફેબ્રુઆરીએ મોહનથાળનું ઉત્‍પાદન બંધ કરવાનુ અને પ્રસાદ તરીકે ચીકી આપવાનુ નક્કી કર્યુ કેમ કે ચીકીનું આયુષ્‍ય વધારે હોય છે અને તેને બહાર મોકલવી સરળ છે. મોહનથાળનો સ્‍ટોક ૨ માર્ચે પુરો થઇ ગયો હતો. મોહનથાળ ૮૦ અને ૧૦૦ ગ્રામના પેકમાં અનુક્રમે ૧૮ અને ૨૫ રૂપિયામાં અપાતો હતો. દર વર્ષે મોહનથાળના ૨ કરોડ પેકેટ વેચાતા હતા અને ટ્રસ્‍ટને છેલ્લા છ મહિનામાં ૧ થી દોઢ કરોડની આવક થઇ હતી.મોહનથાળ બંધ થયા પછી ૧૦૦ ગ્રામ ચીકીના રોજ ૧૦,૦૦૦ બોક્ષ વેચાય છે. ચીકીના આ બોક્ષનો ભાવ ૨૫ રૂપિયા રખાયો છે. સમીર સંઘવી નામના એક શ્રધ્‍ધાળુએ કહ્યું કે અન્‍ય વિકલ્‍પ તરીકે ચીકી બરાબર છે પણ મોહનથાળ બંધ કરવાની જરૂર નથી કેમ કે તે અંબાજી મંદિરની ઓળખ છે.

(4:01 pm IST)