Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સાણંદની જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલી કરોડો રૂપિયા કમાતી કંપનીઓ પ્રોપર્ટી ટેક્‍સ ભરવામાં ઉણી ઉતરી

કંપનીઓને વારંવાર પ્રોપર્ટી ટેક્‍સ ભરવા નોટીસો આપી હોવા છતાં પરિણામ શુન્‍યઃ બોળ ગ્રામ પંચાયતના સરપંચ

અમદાવાદ : હાલ ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે એક્ટિવ બની છે. ત્યારે અમદાવાદ જિલ્લાની સાણંદ જીઆઇડીસીની અનેક કંપનીઓના પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે. કરોડો અબજોનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ પ્રોપર્ટી ટેક્સ ન ભરતી હોવાનું ખુલ્યું છે. એક તરફ આ કંપનીઓ ઉદ્યોગોના નામે સરકાર પાસેથી વિવિધ સુવિધાઓ મેળવે છે, અને પછી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં પાછી પાની કરે છે.

કંપનીઓ કેટલુ બાંધકામ કર્યુ છે તેના પ્રોપર્ટી ટેક્સના આધારે નક્કી થાય છે. સાણંદ જીઆઇડીસીમાં ચાર ગ્રામ પંચાયતની હદ લાગુ પડે છે. ચાર ગ્રામપંચાયતનું 50 કરોડનું માંગણા પત્રક છે. માત્ર બોળ ગામની ગ્રામ પંચાયતે 30 કરોડ કરતાં વધારેનો પ્રોપર્ટી ટેક્સ લેવાનો થાય છે. બોળ ગ્રામપંચાયતના હદમાં આવતી મલ્ટીનેશનલ કંપનીઓ પંચાયતને પ્રોપર્ટી ટેક્સ ચૂકવી રહી નથી.

કઈ કંપનીનો કેટલો ટેક્સ બાકી 
- મેક્સીસ રબ્બર- 6 કરોડથી વધારેનો પ્રોપર્ટી ટેક્સ બાકી
- કોલગેટનો 4 કરોડથી વધારે 
- મેઘના ઓટોમેટિવનો 70 લાખથી વધારે 
- નીલ મેટલ પ્રોડક્ટ PVT LTD 40 લાખ 
- MKCI કંપનીનો 2 કરોડથી વધારે 
- Raicam ઓટોમેટીવનો 50 લાખ
- ઇંડ્કટોથર્મ કંપનીનો 3 કરોડથી વધારે 
- વ્યારા ટાઇલ્સનો 50 લાખ 
- જેબીએમ કંપનીનો 1.70 કરોડ 
- હિટાચીનો 1.5 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી 

બોળ ગામના સરપંચ નરેન્દ્રસિંહ બારડ આ મામલે જણાવે છે કે, કંપનીઓને વારંવાર પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે નોટિસો આપી હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ ભરતી નથી. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતની મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા અવગણના થઈ રહી છે. અનેક નોટીસ મોકલી હોવા છતાં કંપનીઓ આકરણી માટે પણ દસ્તાવેજ નથી આપતી. કંપનીઓ કેટલુ બાંધકામ કર્યુ છે તેના આધારે પ્રોપર્ટી ટેક્સ નક્કી થાય છે. 

કંપનીઓ દસ્તાવેજો પણ જમા કરાવતી નથી 
પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવા કંપનીની આકરણી કરવી જરૂરી છે. અનેક નોટિસો મોકલી હોવા છતાં ઘણી કંપનીઓએ આકરણી માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા નથી. દસ્તાવેજ જમા ન કરાવતાં વોલ્ટાસ બેકો, ઉફલેક્સ, જયવેલ એરોસ્પેસ, વેલ્યો, શેખાણી ઇન્ડસ્ટ્રીઝ, કે પી વોવન સહિતની કંપનીઓએ પ્રોપર્ટી ટેક્સ કેટલો ભરવો એ જ નક્કી નથી થયું. કંપનીઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ચુકવતા ગ્રામના વિકાસને અસર થઇ રહી છે. 

આ મામલે સાણંદ જીઆઇડીસીના ચેરમેન અજીત શાહનું કહેવું છે કે, સાણંદ જીઆઇડીસીમાં કંપનીઓએ બે ટેક્સ ભરવાના થતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. પંચાયતને પ્રોપર્ટી ટેક્સ આપવા ઉપરાંત જીઆઇડીસીની લોકલ બોડીને પણ સુવિધા બદલ સર્વિસ ટેક્સ આપવો પડે છે. ડબલ ટેક્સ દુર કરવા અંગે સરકાર સાથે વિચાર વિમર્શ થઇ રહ્યો છે. સરકાર યોગ્ય નિર્ણય કરે તો 75: 25 ના રેશિયાની નવી વ્યવસ્થા ઉભી થાય. પ્રોપર્ટી ટેક્સના 75 ટકા જીઆઇડીસી અને 25 ટકા રકમ ગ્રામ પંચાયતને મળે. આ વ્યવસ્થા બાદ જીઆડીસીનો યોગ્ય વિકાસ થઇ શકે છે. રાજ્યની અનેક જીઆઇડીસીમાં આ પ્રકારની વ્યવસ્થા કાર્યરત છે. 

(5:15 pm IST)