Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલીમ પામેલા ખેડૂતોના જ્ઞાન, કાર્યશક્તિ અને કૌશલ્યમાં વધારો થાય છે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૧૪ મહિલા અને ૩૬૬ પુરુષ ખેડૂતોએ કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ મેળવી : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજકોટ તા.૭ :કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિધાનસભામાં ગૃહમાં માહિતી આપતા કહ્યું હતું કે, કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે તેનાથી ખેડૂતોના  જ્ઞાન, કાર્યશક્તિ અને કૌશલ્યમાં વધારો થાય છે. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૧૪ મહિલા અને ૩૬૬ પુરુષ ખેડૂતોને કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ અંગેની સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ તાલીમ કાર્યક્રમના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો-સંશોધકોએ કરેલા સંશોધનોથી ખેડૂતો વાકેફ થાય, પોતાની ખેતીમાં વૈજ્ઞાનિક ઢબે તેનો અમલ કરે અને ખેત ઉત્પાદનમાં વધારા થકી ખેડૂત આત્મનિર્ભર બને તેવો છે. તાલીમ અંતર્ગત સંસ્થાકીય તાલીમ, રાજ્યમાં અને રાજ્યની બહાર પ્રેરણા પ્રવાસ, વગેરે થકી ખેડૂતોમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અંગેનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને ખેડૂત તાલીમ કેન્દ્રો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે કૃષિ વિષયક અદ્યતન માહિતી મળી રહે છે. આ સિવાય ખેડૂતોને કિચન ગાર્ડન, બેકરી, ગૃહ વિજ્ઞાન તથા ફળોમાંથી પલ્પ, રસ, અથાણા સહિતના કૌશલ્યો અંગે તાલીમ આપી વધારાની રોજગારીની તકો ઊભી કરવામાં આવે છે.

તાલીમ માટે ખેડૂતોની પારદર્શી પસંદગી માટે ખેડૂતની ઉંમર ૧૮થી ૫૫ વર્ષ હોય, પાંચમું ધોરણ પાસ હોય, ખેડૂત હોય તથા તાલીમના દિવસો દરમિયાન સંપૂર્ણ હાજરી આપવા સક્ષમ હોય તેવા, ખેતી અને આનુષંગિક વિષયોમાં રસ હોય તેવા ખેડૂતોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

(5:54 pm IST)