Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોને પકડી જવાની ઘટનાઓ બને નહીં તે માટે આપણી મરીન સિક્યુરિટી સજાગ : મંત્રી રાઘવજીભાઈ પટેલ

પાકિસ્તાનની જેલમાંથી ગુજરાતના માછીમારો અને તેમની પકડાયેલી બોટોને છોડાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે : રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તેમની બોટમાં જીપીએસ સિસ્ટમ લગાડવા માટે રૂ.૨૦ હજાર જેટલી સહાય પણ ચૂકવવામાં આવે છે

રાજકોટ તા.૭ :પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા માછીમારો સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોને પકડી જવાની ઘટનાઓ બને નહીં તે માટે આપણી મરીન સિક્યુરિટી સજાગ છે. માછીમારી દરમિયાન ગુજરાતના માછીમારો આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી ન જાય તે માટે પણ અનેક જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. એટલું જ નહિ, રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તેમની બોટમાં જીપીએસ સિસ્ટમ લગાડવા માટે રૂ.૨૦ હજાર જેટલી સહાય પણ ચૂકવવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાંથી ગુજરાતના માછીમારો અને તેમની પકડાયેલી બોટોને છોડાવવા માટે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીશ્રી સાથે મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત વિદેશ મંત્રીને પણ લેખિત રજૂઆત કરી માછીમારો અને પકડાયેલી બોટોને છોડાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના માછીમારો પાકિસ્તાનમાં કેદ છે તેમના પરિવારના જીવન નિર્વાહ માટે અગાઉ રાજ્ય સરકાર દ્વારા દૈનિક રૂ.૫૦ પ્રતિ માછીમાર આપવામાં આવતા હતા. જે સહાય વર્ષ ૨૦૧૨માં વધારીને રૂ.૧૫૦ કરવામાં આવી હતી. પકડાયેલા માછીમાર દીઠ વર્ષ ૨૦૧૯થી આ સહાય વધારીને દૈનિક રૂ.૩૦૦ આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. છેલ્લા બે વર્ષમાં ૨૭૪ માછીમારોને પાકિસ્તાની તંત્ર દ્વારા પકડવામાં આવ્યા છે. તે પૈકી બે વર્ષમાં ૫૫ માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડવામાં આવ્યા છે.

(5:56 pm IST)