Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ : પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં: જિલ્લામાં કુલ 8 સંવેદનશીલ કેન્દ્ર

ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ તૈયાર: સીસીટીવી કેમેરા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ :આગામી 14 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થશે એ પહેલા શિક્ષણ વિભાગ દ્રારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્ટ્રોંગરૂમ ઉભો કરવામાં આવ્યો છે.

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના પ્રશ્નોપત્રો સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. આ સ્ટ્રોંગરૂમ ખાતે હાલમાં પરીક્ષા માટે જરૂરી સ્ટેશનરી પહોંચાડી દેવામાં આવી છે, જ્યારે મંગળવારે રાત સુધીમાં પ્રશ્નોપત્રો પણ આવી જશે જેને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવશે.

  બોર્ડની પરીક્ષાની તૈયારી અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ કહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છનું કેપિટલ છે, જેથી બોર્ડની પરીક્ષામાં સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાના પ્રશ્નપત્રો અને સ્ટેશનરીનો જથ્થો રાજકોટ પહોંચાડવામાં આવતો હતો. જ્યારે પણ પ્રશ્નોપત્રો આવે ત્યારે તેને સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવતા હોય છે.

શિક્ષણ વિભાગ દ્વારા શહેરની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં 24 કલાક સીસીટીવી કેમેરા સજ્જ રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમની બહાર 4 પોલીસકર્મીઓ સતત બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે શિક્ષણવિભાગના એક અધિકારી પણ રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમમાં બેસીને સ્ટ્રોંગરૂમનું મોનિટરીંગ કરશે.

શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કુલ ત્રણ પ્રકારની સ્ક્વોડ તૈનાત રહેશે, જેમાં એક ટીમ ગાંધીનગર બોર્ડની 4 ફલાઈંગ સ્ક્વોડ રહેશે. બીજી જિલ્લા કલેક્ટરની સંકલન સમિતીની સ્ક્વોડ રહેશે, જ્યારે સ્થાનિક કક્ષાએ 4 સ્ક્વોડ તૈનાત રહેશે.

રાજકોટ જિલ્લામાં કુલ 8 સંવેદનશીલ કેન્દ્ર છે, જેમાં ગોંડલ,પડધરી,અમરનગર,ભાયાવદર,વિંછીયા,ધાંગ્રધા,આંબરડી અને મોઢુંકા જે સેન્ટરોમાં સ્ક્વોડ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે.

(8:42 pm IST)