Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વડોદરામાં કોરોનાનો હાહાકારઃ સત્તાવાર દરરોજ 385 થી 390 પોઝીટીવ કેસઃ બિનસત્તાવાર 3 હજાર કેસથી લોકોમાં ભય

વડોદરા: વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવામાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓએ તંત્ર પાસે 7 દિવસનું લોકડાઉન કરવા માંગ કરી છે. વેપારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

વડોદરામાં સત્તાવાર રીતે કોરોના વાયરસના રોજ 385 થી 390 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે બિનસત્તાવાર રીતે 3000 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનએ વડોદરામાં 7 દિવસનું લોકડાઉન કરવા માંગ કરી છે.

એસોસિએશનમાં વડોદરાના 70 હજાર નાના મોટા વેપારીઓ જોડાયેલા છે. મહત્વની વાત છે કે લોકડાઉન થશે તો વેપારીઓને ધંધામાં મોટો ફટકો પડશે, તેમ છતાં વેપારીઓ કોરોનાની ચેઇન તોડવા અને સંક્રમણ ઘટાડવા માટે ધંધાના ભોગે લોક ડાઉનની માંગ કરી રહ્યા છે.

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના હોદ્દેદારો, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો, હાથીખાના અનાજ કરિયાણા એસોસિએશનના હોદ્દેદારો, વડોદરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ સયુંકત રીતે ગઇકાલે બેઠક કરી હતી. જેમાં તમામ લોકો 7 દિવસના લોક ડાઉન નું સમર્થન કરી રહ્યા છે.

સરકારે હાઇકોર્ટના નિર્દેશ બાદ 20 જિલ્લાઓમાં રાત્રિ કરર્ફ્યૂ લગાવ્યો છે. રાત્રિ કરર્ફ્યૂનો સમય પણ વધારી રાત્રે 8 થી સવારે 6 કરવાનો નિર્ણય કર્યો છે તેમ છતાં વડોદરાના વેપારીઓ કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જ એક ઉપાય હોવાનું કહી રહ્યા છે.

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનનાના કન્વીનર પરેશ પરીખ એ કહ્યું કે તંત્રએ કોરોના સંક્રમણ રોકવા 7 દિવસનું લોકડાઉન લગાવવું જ જોઈએ. તો જ કોરોનાની ચેઇન તોડી શકાશે. સાથે જ પરેશ પરીખે સરકાર અને રાજકીય પક્ષો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે રાજ્યમાં તમામ રાજકીય મેળાવડાઓ બંધ થવા જોઈએ. સરકારે ભીડ ભેગી ના થવા દેવી જોઈએ. તો જ કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાશે. કોરોનામાં અનેક વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો સપડાઈ રહ્યા છે જેથી તમામ લોકોમાં ભય છે.

(5:11 pm IST)