Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

SGVP ગુરુકુલ પરિવાર દ્વારા સુરત ખાતે પતંજલિ વિદ્યાલયમાં ચાલતા આઈસોલેશન સેન્ટરની પ્રશંસનીય કામગીરી

સુરત તા. ૭ કોરોના મહારામારીના પ્રકોપમા સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.

ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં દર્દીઓ તથા તેમના પરિવારજનોને મદદની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયે SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આઈસોલેશન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ, પતંજલિ વિદ્યાલય, દેવભૂમિ ચેરિટેબેલ ટ્રસ્ટ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.

પતંજલિ વિદ્યાલયમાં ચાલતા આઈસોલેશન સેન્ટરમાં હોસ્ટેલની બિલ્ડિંગમાં દર્દીઓને રહેવા માટેની વ્યવસ્થા તથા સ્કૂલ બિલ્ડિંગમાં દર્દીઓના સગાસંબંધીઓ માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

રોજેરોજનું કમાઈને ખાતા નાના વર્ગના લોકોને આ મહામારી ખૂબ અભિશાપરૂપ બની છે. ત્યારે આ આઈસોલેશન સેન્ટરમાં મોટેભાગે દર્દીઓનું ધ્યાન રાખી શકે એવા કોઈ પરિવારજનો ન હોય તથા જે પરિવાર પાસે દવા-ભોજન વગેરેની વ્યવસ્થા ન હોય તેવા ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે.

SGVP ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અહીં દર્દીનારાયણની તમામ પ્રકારની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે. દર્દીઓને દવાની સાથે સાથે ભોજન, ફળોના રસ, લીંબુપાણી વગેરે બધી જ સેવાઓ સ્વયંસેવકો દ્વારા થઈ રહી છે.

ઉપરાંત પતંજલિ વિદ્યાલયનું કુદરતી વાતાવરણ દર્દીઓને ખૂબ લાભદાયી થઈ રહ્યું છે. દર્દીઓ ખુલ્લા વાતાવરણમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખીને હરી-ફરી શકે છે. વૃક્ષ નીચે બેસી શકે છે.  જેથી શરીરનું ઓક્સિજન લેવલ પણ સારી રીતે જળવાઈ રહે છે.

સેવાભાવી ટીમની મહેનતસંતોના આશીર્વાદ તથા પ્રાર્થનાને કારણે દર્દીઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે છે.

(2:34 pm IST)