Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

વાવાઝોડુ ‘બાયપરજોય' ત્રાટકશે કે વિખેરાઈ જશે?

અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્‍યુ, વધુ મજબૂત બનશેઃ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ચક્રવાત ત્રાટકે તેવી સંભાવનાઓ છે. ગુજરાતમાં ‘બાયપરજોય' નામનું ચક્રવાત માથે મંડરાઈ રહ્યું છે. જોકે એક એવી થીયરી પણ સામે આવી છે કે આ વાવાઝોડું ફંટાઈ જશે પરંતુ હાલ આ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે,  ‘બાયપરજોય' નામના વાવાઝોડાથી ગુજરાતમાં વરસાદ અને ભારે પવનનું કારણ બનશે. દરમિયાનમાં ૫૦ કિમી  પ્રતિ કલાક કરતા વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતાઓ જોવાઈ રહી છે. ઉપરાંત મોડાસા, મહેસાણા, પાટણ સહિત ઘણા શહેરોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં હાલમાં જ થયેલા વીજળી સાથેના વરસાદને અનુભવ્‍યો, કારણ કે તે દિવસે જેવા વીજળીના કડાકા ભાગ્‍યે જ અહીં લોકોએ જોયા હતા. અત્‍યંત ભયાનક અવાજ સાથે વીજળી, ભારે પવન સાથે વરસાદ પડ્‍યો હતો. આગામી સમયમાં આવી રહેલા ‘બાયપરજોય' વાવાઝોડાને લઈને રાહત કાર્યો માટેની તમામ એજન્‍સીઓને એલર્ટ કરી દેવાઈ છે. ઉપરાંત માછીમારોને પણ દરિયામાં આ દરમિયાન નહીં જવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. કારણ કે બાયપરજોયની એન્‍ટ્રી પછી પણ ગુજરાતમાં થોડા દિવસ વરસાદ ચાલુ રહે તેમ છે. હા, લોકોને ગરમીથી રાહત જરૂર મળશે.

(3:53 pm IST)