Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોનાકાળમાં રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ મામલે સી.આર.પાટીલને હાઈકોર્ટમાં ફાઇલ કરવું પડશે એફિડેવિટ: 4 ઓગસ્ટ સુધી સમય આપ્યો

સી.આર.પાટીલ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ થતા વિવાદ સર્જાતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અમદાવાદ : ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસના કેસમાં રાહત મળી રહી છે, પરંતુ જ્યારે મહામારીની  બીજી લહેર પીક પર હતી ત્યારે દેશમાં ઑક્સીજનથી લઈને ઈંજેક્શન ખૂટી પડ્યા હતા. એવામાં ઘણા દિવસ સુધી ગુજરાતના અસંખ્ય લોકો રેમડેસીવીર ઈંજેક્શન માટે રઝળી પડ્યા હતા. એક બાજુ ઈંજેક્શનની અછત હતી એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલે ફ્રીમાં ઈંજેક્શન આપ્યા હતા. જે બાદ ખૂબ મોટો વિવાદ પણ ઊભો થયો હતો. કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ ગયા છે પરંતુ આ વિવાદ પાટીલનો પીછો છોડે તેવું દેખાઈ રહ્યું નથી.

સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલને એફિડેવિટ કરવા માટે 4 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ મામલે આગામી મુદતમાં પાટીલે હાઈકોર્ટમાં એફિડેવિટ કરવું પડશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

 કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન રાજ્યમાં પરિસ્થિતિ વણસી હતી. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓ રેમડેસિવિર ઈન્જેક્શન માટે હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા હતા. ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ વિવાદ સર્જાતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

(12:29 am IST)