Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રથયાત્રાને જલ યાત્રા પેટર્ન મુજબ મંજૂરી ?મામાને ઘેર દર વર્ષે પહોંચે છે તે સમયે મંદિરમાં પરત ફરી જશે?

હાથી અને અખાડા નહિ હોય? ૫૦ લોકો જ જોડાશે? અમિતભાઈ મંગળા આરતીમાં સામેલ થશે, વિજયભાઈ અને નીતિનભાઈ દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ અર્થાત્ પહિંદ વિધિ થશે : રહસ્ય પરથી ગાંધીનગર સાંજ સુધીમાં પડદો હટાવે તેવી જોરદાર ચર્ચાઓ

રાજકોટ તા.૭, અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા નીકળશે કે કેમ? મંજૂરી મળશે તો તેનું કદ કેવુ હશે તે બાબતે ખૂબ ઇન્તેજારી છે ત્યારે આજ સાંજ સુધીમાં રથયાત્રા બાબતે રાજ્ય સરકાર પડદો હટાવશે. .

 સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ જલ યાત્રા માફક જ રથયાત્રાનું કદ રાખી તેને મંજૂરી આપવામાં આવશે, મંગળા આરતી કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં કર્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સોનાની  સાવરણીથી રથ સાફ કરી અર્થાત્ પહિંદ વિધિ બાદ ૫૦ લોકોની હાજરીમાં રથ યાત્રા શરૂ થશે.              

રથયાત્રામાં ફકત ત્રણ રથ રહેશે, ભગવાનના મામાના ઘેર અર્થાત્ સરસપુરમાં રથયાત્રા વિરામ પામે છે અને ત્યાં જ ભાવિકો અને પોલીસ સ્ટાફ પ્રસાદ ગ્રહણ કરે છે તેવા સમયે ત્રણે રથ મંદિરે પરત ફરે તેવી રણ નીતિ વિચારાઇ છે.

સુત્રો માંથી સાંપડતા નિર્દેશ મુજબ હાથી ભલે આવી પોહચ્યા પરંતુ  પરંપરાગત રુટ પર હાથીઓ અને અખાડા સામેલ ન રાખવા પણ વિચારાઈ રહયુ છે.

 બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રી વાસ્તવ ટીમ દ્વારા રથ યાત્રા માટે જે કોઈ નિર્ણય લેવામાં આવે તે માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે. માત્ર કાયદો વ્યવસ્થા જ નહિ, ભાવિક ભકતોની સુરક્ષા માટે કોરોના રસીઓ મૂકી નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવાની પ્રક્રિયા જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી ખુદ સંભાળી રહ્યા છે.

(12:57 pm IST)