Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શું સરકારનું કામ માત્ર ટેકસ કટકટાવવાનું છે ? : કોંગ્રેસ

ભાજપે એલપીજીની સબસીડી ગાયબ કરી દેશના ૯૫ ટકા લોકોને મોંધવારીના દાવાનળમાં ધકેલી દીધાઃ દરેક ક્ષેત્રમાં ટેકસના ઉઘરાણાની પ્રજાને ચુસી લેવાય છે, કોઇપણ જાતની રાહત અપાતી નથીઃ ડો. મનિષ દોશી

અમદાવાદઃ  ભાજપ સરકારે એલપીજી સિલિન્ડરની સબસિડી ગાયબ  કરીને દેશની ૯૫ ટકા પ્રજાને  આર્થિક બોજમાં ધકેલી દીધી છે.  'અચ્છે દિન' બહોત હુઇ મહંગાઇ કી માર જેવા રૂપાળા સુત્રો સાથે સતા પ્રાપ્ત  કરનાર ભાજપ સરકારે સતામાં આવતા જ પ્રજાને મોંઘવારીનો માર મારવાનું શરૂ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસમાં સતત ભાવ વધારી સરકારે પ્રજાની કેડ ભાંગી નાખી છે.

ગુજરાતના ૧૦ લાખ એલપીજી ગેસ કનેકશન ધરાવતા સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોની મોંધવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે એલપીજી સીલીન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના ૯૫ ટકા લોકોને મોંઘવારીના  દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ ૨૦૨૦-૨૧ના કેન્દ્રીય બજેટમાં એલપીજી સિલીન્ડર માટે રૂ.૪૦,૯૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં એલપીજી સિલીન્ડર સબસીડી માટે માત્ર રૂ.૧૨,૯૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એટલે કે રૂ.૨૭,૯૨૦ કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો છે.

ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સીલીન્ડરના વધતા ભાવો માટે આંતરરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસિડી ઉપર કાપ  પણ આંતરરાષ્ટ્રીય બજારે મૂકયો છે ? શું સરકારનું કામ માત્ર ટેકસ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી ? મંદી, મોંઘવારી અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપિંડીનો ભોગ બની રહી છે. 'અચ્છે દિન', 'બહોત હુઈ મહંગાઈ કી માર' જેવા રૂપાળા સૂત્રો દ્વારા ભ્રામકતા ઊભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે.

દેશના જીડીપી  વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (જી), ડીઝલ (ડી), પેટ્રોલ (પી) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરીમાં ૧૭૬.૪૩ સબસિડી મળી હતી. વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૩ રૂપિયા સબસિડી કરી દેવામાં આવશે. મોટાભાગના પરિવારોને આ ગેસ સબસિડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે, આમ સરકારે પ્રજાને ચોતરફથી લૂંટવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે. દરેક ક્ષેત્રે ટેકસ ઉઘરાવીને પ્રજાને ચૂસી ન આપી થોડી ઘણી બચત હોય તે પણ ખંખેરી લેવા માંગતી હોય, તેવું લાગી રહ્યું હોવાનું અંતમાં જાણાવાયું  છે.

(4:27 pm IST)