Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગાંધીનગર-સરખેજ હાઇવે નજીક સાઈડ ન આપવા જેવી નજીવી બાબતે બસ ચાલકને ઉભો રાખી માર મારતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર વૈષ્ણોેદેવી પાસે ગઈકાલે બપોરના સમયે પાલનપુરથી સરખેજ જતી બસના ચાલકનો પીછો કરીને સાઈડ નહીં આપવાની નજીવી બાબતે બસ ચાલકને ઉભો રાખી માર માર્યાની ઘટના બનવા પામી હતી. જે સંદર્ભે બસ ચાલકે સરકારી અમલદાર ઉપર હુમલા સંદર્ભેની ફરીયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે રહેતાં રીયાઝખાન અકબરખાન સંધી એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ગઈકાલે બપોરના સુમારે તેઓ સિધ્ધપુર ડેપોની બસ નં.જીજે-૧૮-ઝેડ-૪૯૫૪ લઈને પાલનપુરથી સરખેજ જવા નીકળ્યા હતા. સાંજના સાત વાગ્યાના સમયે તેમની બસ સરખેજ તરફ જઈ રહી હતી તે દરમ્યાન વૈષ્ણોદેવી બ્રીજ ઉપર કાર નં.જીજે-૦૧-કેઆર-૬૧૧૦નો ચાલક જોરજોરથી હોર્ન મારીને સાઈડ માંગતો હતો. જેથી રીયાઝખાને બસને સાઈડમાં કરી હતી. આ જ સમયે કારનો ચાલક કારને બસ આગળ લાવીને ઉભો રહી ગયો હતો. કારચાલક નીચે ઉતરીને રીયાઝખાનને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ જઈ માથાના વાળ પકડીને નીચે ઉતારી હુમલો કર્યો હતો. જેના પગલે કંડકટર સહિત પેસેન્જર નીચે ઉતરી આવ્યા હતા અને ડ્રાઈવરને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ કારચાલકે બસના કાચ ઉપર પથ્થર મારીને કાચ તોડી નાંખ્યા હતા. જેથી રીયાઝખાને આ મામલે અડાલજ પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે સરકારી કર્મચારી ઉપર હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

(4:46 pm IST)