Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શિક્ષણનો અધિકારઃ RTE પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

ધો. ૧માં તા.૧૯ થી ર૯ ઓગષ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશેઃ ૧૧ સપ્ટેમ્બરે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ : કોરોનાની સ્થિતિમાં ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા રદ્દ : ઓનલાઇન જમા કરાશે : RTE હેઠળ હેઠળ સરકારના ખર્ચે ખાનગી શાળામાં શિક્ષણ

રાજકોટ, તા., ૭:  શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત આજે ખાનગી શાળાઓમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત થઇ છે.

શિક્ષણના અધિકાર કાનૂન અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે તે માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ.આઇ.જોશીએ આરટીઆઇ એકટ-૨૦૦૯ અંતર્ગત ૨૦૨૦-૨૧ના પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી છે. જેમાં તા. ૭ ઓગસ્ટના અખબારોમાં પ્રવેશની સુચના આપવામાં આવી છે.

તા. ૭ થી ૧૮ ઓગસ્ટ સુધી ૧૨ દિવસોમાં પ્રવેશ માટે જરૂરી આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર સહિત દસ્તાવેજ એકત્ર કરવાનો સમય રહેશે. તા. ૧૯ થી ૨૯ ઓગસ્ટના પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે.

RTE(રાઇટ ટુ એજયુકેશન) એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર છે. રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકો છો. ત્યારે હવે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઇ છે.

RTE એકટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી www.rte. orpgujarat.com વેબસાઈટ પર તારીખ ૧૯ ઓગષ્ટ ૨૦૨૦ ૨૯ ઓગષ્ટ ૨૦૨૦ પ્રવેશ ફોર્મ ભરી શકશે. તો ૩૧ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને બાદમાં પ્રથમ રાઉન્ડની જાહેરાત ૧૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે તમામની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવી છે. અરજદાર જરૂરી પુરાવા એકત્ર કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોકયુમેન્ટ સાથે વાલીએ રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોરોના મહામારીને કારણે રદ કરેલ છે.

ખાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ કયાંય પણ જમા કરાવવાનું રહેશે નહીં.

(1:11 pm IST)