Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજ્યના તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ-મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ તાકિદ કરતા વિજયભાઈ રૂપાણી

રાજ્યની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને વિકાસ કામોના ચેક વિતરણની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ-મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ તાકિદ કરી છે.

તેમણે આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ-તપાસ કરવા અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગરો-નગરોના સત્તાતંત્રોને આપી છે.

જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થાઓ સત્વરે ઊભી કરાવવા પણ શહેરી વિકાસ વિભાગ કાર્યવાહિ કરે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની જે ઘટના બની તેવી કોઇ પણ ઘટના ભવિષ્યમાં કયાંય  કોઈ બેદરકારીને કારણે કે જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે બને નહિ  તેની પૂરતી કાળજી લેવાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે. 

મુખ્યમંત્રીશ્રીએ  માનવજીવન અમૂલ્ય છે  તેમ જણાવી  આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોને જાન ગૂમાવવા વારો ન આવે તેવી સ્થિતીના નિર્માણ માટે પણ તાકિદ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને વિકાસ કામોના ચેક વિતરણની વિડીયો કોન્ફરન્સમાં આ સૂચનાઓ આપી છે.

 તેમણે અમદાવાદ હોસ્પિટલ આગ દુર્ઘટનાને દુ:ખદ ગણાવી માર્યા ગયેલા વ્યકિતઓને શ્રદ્ધાંજલી અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.

(4:26 pm IST)