Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નર્મદા : દેડીયાપાડાના ગારદા - મોટા જાંબુડા ગામ વચ્ચેથી પસાર થતા કૉઝવે ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ વરસાદની શરૂઆત થતા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલ કોઝવે ઉપરથી પાણી જતા અંદરના ગામો સંપર્ક વિહોણા બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ના ગારદા મોટા જંબુડા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકો મોટો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે.
  પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ગારદા - મોટા જંબુડા ગામની વચ્ચેથી પસાર થતા કૉઝવે ઉપરથી પાણી ફરી વળતા ગારદા, ખામ, ભૂત બેડા, મંદાલાં ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ,આજે વહેલી સવારે વરસાદ શરૂ થતાં ગારદા અને મોટા જાંબુડાની વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ પણ ઉભરાઈ ગયો હતો,આ ગામની વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિમી.વધુ ફરવાનો વારો આવ્યો છે, અને કોઝવે પાણી માં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે, જ્યારે બાઈક ચાલકોને બાઈક પરથી ઉતરી ને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે, આ કોઝવે પરથી ઉમરપાડા, નેત્રંગ કેવડી,અંક્લેશ્વર જતા નોકરિયાત વર્ગના લોકો તેમજ અન્ય કામ અર્થે જતા મુસાફરોને પણ અટવાયા હતા જેથી વહેલી તકે આ કોઝવે પર સ્થાનિક તંત્ર યોગ્ય કામગીરી પુરી કરી સ્થાનિકોની મુશ્કેલી હલ કરે તેવી માંગ ઉઠી છે.

(6:45 pm IST)