Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દોહિત્રી સાથે વાત ન કરવા દેવાતા નાના-નાની હાઈકોર્ટમાં

જમાઈ એમરિકાનો વતની હોવાનું સામે આવ્યું : જમાઈએ તેમની દીકરીના મોત બાદ બીજા લગ્ન કરી લીર્ધા વર્ષ પહેલા તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા

અમદાવાદ, તા. ૭ : અમેરિકામાં રહેતા જમાઈએ છેલ્લા એક વર્ષથી પોતાની ૯ વર્ષની દોહિત્રી સાથે વાત ન કરવા દેતા વૃદ્ધ દંપતીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દંપતીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ જમાઈને તેમની દોહિત્રી સાથે વાત કરવા દેવાની સંમતિ આપવાનો આદેશ આપે. શહેરમાં રહેલા દંપતીએ પોતાની દોહિત્રી સાથે વાત કરવા માટે હેબિયસ કોર્પસ પિટિશન ફાઈલ કરી છે, જેનો જન્મ ટેક્સાસમાં થયો હોવાથી તે અમેરિકાની નાગરિક છે. તેમણે ફરિયાદ કરી કે, જમાઈએ તેમની દીકરીના મોત બાદ બીજા લગ્ન કરી લીધા છે અને એક વર્ષ પહેલા અચાનક જ તેમના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. વકીલ ભાર્ગવ હસુરકરે કહ્યું હતું કે, હેબિયસ કોર્પસ પિટિશન દ્વારા વિદેશની નાગરિકની કસ્ટડી મેળવી શકાતી નથી અને આ પરિવારિક બાબત છે તેથી કોર્ટની સૂચના માગવામાં આવી હતી.

              વકીલે કહ્યું કે, આ કેસની સુનાવણી કર્યા પછી હાઈકોર્ટે જમાઈને નોટિસ ફટકારી છે અને આગામી અઠવાડિયે વીડિયો કોન્ફરન્સ દ્વારા છોકરીને કોર્ટમાં હાજર કરવા જણાવ્યું છે. આ કેસમાં, દંપતીએ તેમની દીકરીના લગ્ન વર્ષ ૨૦૦૯માં અમેરિકાના પ્રોફેશનલ સાથે કરાવ્યા હતા. તેમને ત્યાં ૨૦૧૧માં દીકરીનો જન્મ થયો હતો. પત્નીનું મૃત્યુ ૨૦૧૬માં ૩૦ વર્ષની વયે થયું હતું, જેના થોડા મહિના બાદ દંપતીના જમાઈએ બીજા લગ્ન કરી લીધા હતા. વૃદ્ધ દંપતીએ દાવો કર્યો કે, તેમણે તેમની દોહિત્રીને છેલ્લે ૨૦૧૬માં જોઈ હતી અને પરિવાર અમેરિકા જતા રહેતા તેઓ માત્ર વીડિયો કોલિંગથી વાત કરતા હતા.

(7:24 pm IST)