Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જબરી હાલાકી ! : પ્રાથમિક સુવિધાના અભાવે સામાન લઈ હોસ્ટેલ બહાર નીકળ્યા !

પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ન અપાતા ભારે હંગામો:હોસ્ટેલ મુદ્દે ચાર દિવસથી હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહેલા MBBSના વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યુ

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજ રાજ્યની સૌથી મોટી અને સૌથી જુની સરકારી મેડિકલ કોલેજ છે પરંતુ તેમ છતાં આ કોલેજ અને તેમાં ભણતા MBBSના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના ડોક્ટરોની સરકારને ચિંતા ન હોઈ હોસ્ટેલ જેવી પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ન અપાતા ભારે હંગામો મચ્યો છે.હોસ્ટેલ મુદ્દે ચાર દિવસથી હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહેલા MBBSના વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે. તમામ વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા હતા અને હોસ્ટેલનો ત્યાગ કરીને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો.

  સરકાર રહેવાની યોગ્ય વ્યવસ્થા ન આપે ત્યાં સુધી કેમ્પસમાં જ રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે. MBBSના છોકરા અને છોકરીઓને હોસ્ટેલની સુવિધા ન મળતા ચાર દિવસથી આંદોલન પર ઉતરેલા છે. ગઈ કાલે તેમણે સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો છે. સરકારની પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ એજન્સીએ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગના સ્ટ્રકચરની તપાસ કર્યા બાદ હોસ્ટેલ વિદ્યાર્થિનીઓને રહેવા માટે અસુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો છે તેમ છતાં પણ સરકાર ગંભીર નથી. વિદ્યાર્થીઓને જે વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટે અપાઈ છે ત્યાં પણ અસુવિધાઓ અને ગંદકી છે.

  કેમ્પસ બહાર હંગામી ધોરણે પાંચ વર્ષથી ફાળવાયેલી બોયઝ હોસ્ટેલમાંથી અને કેમ્પસમાં આવેલી જર્જરિત ગર્લ્સ હોસ્ટેલમાંથી તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સામાન લઈને બહાર આવી ગયા હતા. વિદ્યાર્થીઓે તમામ જરૂરી સામાન બહાર કાઢીને હોસ્ટેલનો ત્યાગ કરી દીધો હતો અને કેમ્પસમાં જ રહેવા આવી ગયા હતા. ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તમામ વિદ્યાર્થીઓ સામાન સાથે મોડી રાત સુધી ડીન ઓફીસની બહાર કોલેજના પ્રાંગણમાં જ બેઠા રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી હોસ્ટેલની કે રહેવાની પુરતી યોગ્ય સુવિધા નહી અપાય ત્યાં સુધી તેઓ કેમ્પસમાં જ રહેશે.

(11:16 am IST)