Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ગુજરાતમાં વીજળીમાં કડાકો : ૬ જિલ્લામાં બપોરે વીજકાપ

કોલસાની ભારે અછતને કારણે ગાંધીનગર - અમદાવાદ - મહેસાણા - સાબરકાંઠા - પાટણ - બનાસકાંઠાના ગામડાઓમાં સરપંચોને જાણ કરી દેવાઇ : યુજીવીસીએલ (ઉત્તર ગુજરાત વીજ કંપનીનો નિર્ણય) ગુજરાતમાં કોલસો માત્ર ૩ દિવસનો : કુલ ૫ પાવર પ્લાન્ટમાં કોલસાથી ૪૫૦૦ મેગાવોટનું ઉત્પાદન

રાજકોટ તા. ૭ : ગુજરાતમાં વીજળીમાં કડાકા બોલી ગયા છે, કોલસાની ભારે અછતને કારણે અને માત્ર ૩ દિવસનો કોલસો ગુજરાતમાં બચ્યો હોય, કોલસા આધારિત કુલ ૫ જેટલા પાવર પ્લાન્ટમાં ૪૫૦૦ મેગાવોટનું રોજનું ઉત્પાદન અટકી જવાના ભયે આજથી અમલમાં આવે તેમ ઉત્તર ગુજરાતના સેંકડો ગામડાઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બપોરના ૧ થી ૩ કલાક પાવર કાપની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે, અત્યંત ચોંકાવનારી બાબત મુજબ ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં વીજકાપ જોયો નથી. બીજી તરફ યુજીવીસીએલ કંપનીએ જાહેરાત પણ કરી છે કે, જ્યાં સુધી કોલસાની અછત પૂર્ણ નહિ થાય ત્યાં સુધી પાવર કાપ ચાલુ રહેશે, પરિણામે ગામડાઓમાં વસવાટ કરનારા લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થશે, યુજીવીસીએલ કંપની ધોલેરા સુધી વીજ વિતરણ કરે છે.

યુજીવીસીએલ કંપનીએ ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં બપોરે વીજકાપ રહેશે તેવી જાણ સરપંચોને કરી દીધી છે. અત્રે એ નોંધનીય છે કે, અમદાવાદ શહેરનો ઘણો વિસ્તાર ઉત્તર ગુજરાત કંપનીના તાબામાં આવે છે. દેશમાં ૭૦ ટકા વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા આધારિત છે, તેમાંથી ૧૩૫ થર્મલ પાવર પ્લાન્ટસ પાસે કોલસાનો માત્ર ૩ દિવસનો સ્ટોક છે. જેમાં ગુજરાતના પણ પાંચ પાવર પ્લાન્ટસનો સમાવેશ થાય છે, ચોમાસાને કારણે કોલસાનું ઉત્પાદન ઘટી જતા અને ભાવો વધતા ૫રિવહનમાં અડચણો આવતા આ સમસ્યા ઉભી થઇ છે.

(2:26 pm IST)