Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમદાવાદ સહિત રાજયના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર

સુરેન્દ્રનગરમાં ૧૦૦.૩૦ રૂપિયા, પાટણમાં ૧૦૦.૦૭ રૂપિયા, જુનાગઢમાં ૧૦૦.૭૮ રૂપિયા, નવસારીમાં ૧૦૦.૧૭ રૂપિયા, વેરાવળમાં ૧૦૧.૭૩ રૂપિયા, કોડીનારમાં ૧૦૨.૦૮ રૂપિયા પ્રતિ લિટર ભાવ નોંધાયો છે

અમદાવાદ, તા.૭: આજે રાજયના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ને પાર થઇ ગયા છે. રાજયના અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો છે. અમદાવાદમાં પેટ્રોલે સદી ફટકારતાં પ્રતિ લિટરનો ભાવ ૧૦૦.૦૪ રૂપિયાએ પહોંચ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં ૨૯ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૮ પૈસાનો વધારો થયો છે. સાથે જ અમદાવાદમાં ડીલરની  કિંમત ૯૮.૯૨ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવની અસરને પગલે રાજયના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજયના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૦૦.૩૦ રૂપિયા, પાટણમાં ૧૦૦.૦૭ રૂપિયા, જુનાગઢમાં ૧૦૦.૭૮ રૂપિયા, નવસારીમાં ૧૦૦.૧૭ રૂપિયા, વેરાવળમાં ૧૦૧.૭૩ રૂપિયા, કોડીનારમાં ૧૦૨.૦૮ રૂપિયા પ્રતિ લિટર ભાવ નોંધાયો છે.વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની ઝડપથી વધી રહેલી માંગને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે ક્રૂડ ઓઈલની માંગ વધી રહી છે, તે મુજબ ઉત્પાદન થઈ રહ્યું નથી. તાજેતરમાં ઓપેક દેશોની એક બેઠક મળી હતી, જેમાં દરરોજ માત્ર ચાર લાખ બેરલ ઉત્પાદન વધારવાની માંગ કરવામાં આવી હતી. આ કારણોસર ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.  જયારે પણ વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમત વધે છે ત્યારે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તે સામાન્ય છે.

(4:02 pm IST)