Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સરકારી ખર્ચે ગ્રીટિંગ્સ કાર્ડ છપાવવા પર રોક : સરકારી ખર્ચમાં કરકસર કરવા પગલું

કોરોનાને કારણે સર્જાયેલી આર્થિક સ્થતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા અનેકવિધ પગલાં

અમદાવાદ : રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓથી માંડીને અધિકારી તેમ જ પેન્શનરને મોંઘવારી ભથ્થાંના એરિયર્સ ચૂકવવાની જાહેરાત કરી છે. બીજી તરફ સરકારી ખર્ચે ગ્રીટિંગ્સ કાર્ડ છપાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.અને   સરકારી ખર્ચાઓ પર કાપ મૂક્યો છે.

કોરોના મહામારીના કારણે સર્જાયેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર તરફથી ધારાસભ્યોના પગાર કાપથી માંડીને અનેકવિધ પગલાંઓ ભર્યા છે. જેના ભાગરૂપે જ આજે રાજયના નાણાં વિભાગ તરફથી નોવેલ કોરોના વાયરસના કારણે ઊભી થયેલી અતિ ગંભીર પરિસ્થિતિ અને વાયરસને નિયંત્રણમા લાવવાના હેતુસર જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે સરકારી ખર્ચમાં કરકસર કરવા રાજય સરકાર દ્રારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આ કરકસરના પગલાંના ભાગરૂપે જ સરકારી ખર્ચે ગ્રીટીંગ્સ કાર્ડ નહીં છપાવવા જણાવ્યું છે.

 

આ સૂચનાઓ સચિવાલયના સર્વે વહીવટી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ સહિત તમામ તાબાની સરકારી કચેરીઓ ઉપરાંત રાજય સરકારના જાહેર સાહસો, મંડળો, નિગમો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ, સરકારી યુનિવર્સીટીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ તમામ સંસ્થાઓને લાગુ પડશે.

ગુજરાત સરકારના 25થી વધુ વિભાગો છે. દરેક વિભાગોના ઉચ્ચ અધિકારીઓથી માંડીને મંત્રીઓ દ્રારા લાખ્ખોની સંખ્યામાં ગ્રીંટિંગ્સ કાર્ડ લખવામાં આવતાં હોય છે. તેની પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. આ ખર્ચને રોકીને સરકારે કરકસરના પગલાંમાં વધુ એકનો ઉમેરો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે એક પછી એક તહેવારની ઉજવણી ફિક્કી પડી ગઇ છે. તેમાંય વળી ખાનગી નોકરી કરતાં કર્મચારીઓની હાલત તો કફોડી બની ગઇ છે. નોકરી જતી રહી હોય અથવા તો પગારમાં કાપ મૂકાયો હોવાના કારણે આ વખતે તેમની દિવાળી બગડી જ છે. એટલું જ નહીં પરંતુ ધંધા રોજગાર પણ ઠપ્પ જેવા થઇ ગયા હતા. તેની સીધી અસર અર્થતંત્ર પર પડી છે. તેને ફરી એકવાર ધમધમતું કરવા માટે સરકાર તરફથી બહુવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. જેના કારણે સરકાર તરફથી સરકારી કર્મચારીઓ સહિત ધંધા રોજગારને બેઠાં કરવા માટે અનેક લાભો જાહેર કર્યા છે.

(10:09 pm IST)