Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળી તહેવારોના આગમન પહેલા અમદાવાદ કોર્પોરેશન તંત્ર કોરોના સામે વધુ સજ્જઃ ગેરકાયદે દબાણ કરીને ભીડભાડ ન કરવા આદેશઃ સુપર સ્‍પ્રેડર માટે ટેસ્‍ટ કામગીરી

અમદાવાદ: શહેરમાં કોવિડ ગાઈડલાઈનના કડક અમલ માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં દીવાળીને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર કોરોનાના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આટલું જ નહીં, ભીડભાડ વાળી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે.

દીવાળીના તહેવાર દરમિયાન એકઠી થનારી ભીડને ધ્યાનમાં રાખીને લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શુક્રવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાંણે મિઠાઈ સહિત અન્ય વેપારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

AMCના સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા રામોલ-હાથીજણ વિસ્તારમાં 78 સુપર સ્પ્રેડર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજ પ્રકારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

જ્યારે શહેરના દરિયાપુરમાં ઘીકાંટા વિસ્તારમાં મેટ્રોપૉલિટન કોર્ટના રસ્તાની આસપાસ ગેરકાયદેસર દબાણ કરીને વેપાર કરનારા વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, આ જગ્યા પર કોરોના સંક્રમણ છતાં લોકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. આમ અહીં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

જેના પગલે શુક્રવારે કારંજ પોલીસની મદદથી અહીં કોર્પોરેશને 7 થી 8 દબાણો દૂર કર્યાં હતા. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત રહશે. શહેરના અન્યભાગોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સિવાય હાટકેશ્વર શાક માર્કેટમાં પણ ભીડભાડ વાળા વિસ્તારોમાંથી દબાણો દૂર કરાયા છે. અહીં માસ્ક પહેર્યા વિના લારી પર છૂટક વેપાર કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે શહેરના પૂર્વ ઝોન સ્થિત ભાઈપુરા વૉર્ડમાં CTM ચાર રસ્તા નજીક મંજૂરી વિના કરવામાં આવેલ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

(4:47 pm IST)