Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ચેતવણીરૂપ કિસ્સો : વાસણનું લિક્વિડ વેચવા આવેલા સેલ્સમેન 80 હજારની સોનાની બંગડીઓ ચોરીને ફરાર

વાસણનું લિકવિડ લેવાની ના પાડતા પાણી માગ્યું: પાણી લઈને આવતા આરોપીએ આપેલુ કાર્ડ વાંચતા જ મહિલા બેહોશ થઈ ગઈ

અમદાવાદમાં મણિનગર ખાતે ગુરુવારે બપોરે બનેલી લૂંટની ઘટના પરથી એકલદોકલ રહેતી મહિલા,પુરુષ કે સિનિયર સિટીઝનો માટે ચેતવણીરૂપ છે. જેમાં રેલવે કર્મચારીના પત્ની બપોરે ઘરે એકલા ત્યારે વાસણનું લિક્વિડ વેચવા આવેલા સેલ્સમેન દ્વારા તેમની 80 હજારની સોનાની બંગડીઓ ચોરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રેલવેમાં ટેક્નિશિયન તરીકે બજાવતા જયેશભાઇ દવે (રહે.સોમીની એપાર્ટમેન્ટ, મણિનગર)ના પત્ની ઉર્વશીબેન ઘરે ગુરુવારે બપોરે એકલા હોવાથી ટીવી જોતા હતા. તે સમયે વાસણ ઘસવાનું લિકવિડ લઈ એક શખ્સ આવ્યો હતો.

જો કે ઉર્વશીબેને લિકવિડ લેવાની ના પાડી દીધી હતી. આથી શખ્શે પીવા માટે પાણી માંગતા ઉર્વશીબેન રસોડામાં પાણી લેવા માટે ગયા હતા. આ દરમિયાન પાણી માંગનાર શખ્શ અને તેનો સાગરિત જાળી ખોલી ઘરમાં આવી ગયા હતા

જેવા ઉર્વશીબેન પાણી લઈ બહાર આવ્યા, ત્યારે બેમાંથી એક ઇસમે  તેઓને કાર્ડ આપી આ વાંચો તેમ જણાવ્યું હતું. ઉર્વશીબેન કાર્ડ વાંચતા જ બેહોશ થઈ ગયા હતા. આશરે 20 મિનિટ બાદ હોશ આવ્યો, ત્યારે ખબર પડી કે ગઠિયા તેઓની રૂ.80 હજારની બે સોનાની બંગડીઓ લઈ ફરાર થઈ ગયા હતા.

આથી ઉર્વશીબેને ફ્લેટની નીચે જઇ જોયું તો આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે તેઓએ પાડોશીઓ અને પુત્રને જાણ કરી હતી. મણિનગર પોલીસે આ અંગે ઉર્વશીબેનની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:46 am IST)