Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સોમવારથી ગુજરાતમાં શાળાઓ ફરી ધમધમશે

દરેક કલાસમાં બે વિદ્યાર્થી વચ્ચે રહેશે ૬ ફુટનું અંતર : જરૂર પડયે લેબ-લાઇબ્રેરી પણ બનશે કલાસ

અમદાવાદ તા. ૮ : કોરોના મહામારીના કારણે ૨૦૨૦ના માર્ચ મહિનાથી બંધ થયેલી સ્કૂલો ફરી શરૂ થવાની છે. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૧ જાન્યુઆરીથી રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ થશે. જેને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા SOPનો અમલ કરીને સ્કૂલો ખોલવા આદેશ કર્યો છે. હાલ ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થતી હોવાથી વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રહે તે પ્રકારે બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. જો વર્ગ નાના હોય તો કમ્પ્યૂટર હોલ, લાઈબ્રેરી અને લેબનો ઉપયોગ વર્ગખંડ તરીકે કરીને બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સ્કેનિંગ કર્યા બાદ જ સ્કૂલમાં પ્રવેશ અપાશે. આ ઉપરાંત સ્કૂલમાં ફરજિયાત માસ્ક અથવા ફેસ કવર પહેરીને રાખવું પડશે. વિદ્યાર્થીઓએ પાણીની બોટલ અને નાસ્તો ઘરેથી લાવવાનો રહેશે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આ વસ્તુઓ વહેંચી શકશે નહીં.

શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડે SOP નક્કી કરી છે. જે પ્રમાણે, શાળામાં થર્મલ ગન, કીટાણુંનાશક તેમજ સાબુની સુવિધા ઉપલબ્ધ કરાવાની રહેશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવવા માટે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવાની રહેશે. શાળાની નજીકના સ્થળે ડોકટર ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરાવાની રહેશે.

સ્કૂલો શરૂ થયા બાદ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવાની રહેશે નહીં. શાળા પરિસરમાં અને આસપાસના ભાગમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિની સતત જાળવણી તેમજ દેખરેખની ખાતરી કરવાની રહેશે. શાળામાં પ્રવેશ વખતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના શરીરનું તાપમાન થર્મલ ગનથી તપાસવાનું રહેશે. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ફેસ કવર કે માસ્ક પહેરીને રાખે તેની તકેદારી રાખવાની રહેશે. વિદ્યાર્થીઓએ માસ્ક, પાણીની બોટલ, નાસ્તો, પુસ્તકો વગેરે ઘરેથી લાવવાના રહેશે. અન્ય વિદ્યાર્થીઓ સાથે આ વસ્તુઓની આપ-લે નહીં કરી શકાય.

સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જરૂરી છે. જો શકય હોય તો કામચલાઉ ધોરણે બહારની ખુલ્લી જગ્યાનો ઉપયોગ વર્ગખંડ તરીકે કરી શકાશે. જો કે, આમાં પણ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા માટે શારીરિક અંતરના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. વર્ગોનું કદ નાનું હોય તેવા કિસ્સામાં મોટા ખંડો જેવા કે કમ્પ્યૂટર હોલ, પુસ્તકાલય, પ્રયોગશાળા જેવા ખંડોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વાલીની સંમતિ બાદ જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાના હોવાથી શાળાએ હાલમાં જે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા છે તે પણ ચાલુ રાખવાની રહેશે. શાળામાં સામૂહિક પ્રાર્થના, મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્ત્િ।ઓ કરવાની રહેશે નહીં.

છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની બે પથારી વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. વિદ્યાર્થી છાત્રાલયમાં રહેવા આવે ત્યારે તેની પૂરતી તપાસ કરવાની રહેશે અને બીમારી ના હોય તો જ રહેવાની મંજૂરી આપવાની રહેશે.

વાલીઓ બાળકોને પોતાના વાહનમાં જ સ્કૂલે મૂકી જાય તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. બાળકોને શાળામાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહન (વેન, રિક્ષા કે સ્કૂલ બસ)ને બે વખત સેનિટાઈઝ કરવાનું રહેશે. પહેલીવાર વિદ્યાર્થીઓ અંદર બેસે ત્યારે અને બીજીવાર ઉતરે પછી સેનિટાઈઝ કરવાનું રહેશે. વિદ્યાર્થી સ્કૂલ બસમાં બેસે ત્યારે થર્મલ ગનથી તેનું ટેમ્પરેચર ચેક કરવાનું રહેશે. બસમાં પડદા લગાવવા નહીં અને બારીઓ ખુલ્લી રાખવાની રહેશે. વિદ્યાર્થી બસમાં બિનજરૂરી જગ્યાએ સ્પર્શ ના કરે તેની સૂચના આપવી અને જરૂર હોય તો બસમાં હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા રાખવી. જે વિદ્યાર્થીઓ સ્કૂલે અવરજવર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તેમને શાળા દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે.

(11:46 am IST)