Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગાંધીનગરમાં બેરોજગારી મુદ્દે થરાદના ધારાસભ્‍ય અને યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા અટકાયત

ગાંધીનગર: રાજ્યમાં બેરોજગારીને લઇને યુથ કોંગ્રેસની બેરોજગાર યાત્રા નીકળી હતી. યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. થરાદના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડેન્ટ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસની ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેરોજગાર યાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બેરોજગાર યાત્રાને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે પ્રદર્શન કરતા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ કહ્યુ કે, ગુજરાતમાં લાખો યુવાનો બેકાર છે છતા આ આંધળી સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી છે છેલ્લા કેટલાય સમયથી ભરતીઓ કરવામાં નથી આવી. રાજ્યમાં ઠેર ઠેર અનેક જગ્યાએ યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર યાત્રા કાઢવામાં આવી હતી. જામનગર ખાતે યુવક કોંગ્રેસ દ્રારા રોજગાર યાત્રા નિકાળીને યુવાનોને રોજગાર આપવામાં આવે /તાત્કાલિક ભરતીઓની જાહેરાતની માંગ કરવામાં આવી હતી.

(5:04 pm IST)