Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમદાવાદમાં નીચે ઉતર નહીં તો ગોળી મારી દઇશ તેમ કહીને 3 શખ્‍સો વેપારીની 6 લાખની કાર લૂંટીને નાસી છૂટયા

અમદાવાદ: વસ્ત્રાલ રિંગ રોડ પર ગુરુવારે રાત્રે ફરનીશ ઓઈલના વેપારીને 3 યુવકોએ એક્સપ્રેસ હાઇ-વે જવાનો રસ્તો પૂછ્યો હતો. જે બાદ એક યુવક દરવાજો ખોલી કારમાં વેપારીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો. યુવકે વેપારીને બંદૂક બતાવી લાફો મારી દીધો અને ધમકી આપી કે, નીચે ઉતર નહી તો ગોળી મારી દઈશ. વેપારી કારમાંથી જેવા નીચે ઉતર્યા કે, આરોપીઓ રૂ.6 લાખની કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

નરોડા ખાતે કૃષ્ણનગરની બાજુમાં જૈન દેરાસર સામે આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા ફરનીશ ઓઈલના વેપારી અજય હરસુખલાલ મહેતા (ઉં,62)એ 25 વર્ષના આશરાના ત્રણ યુવકો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, વટવા GIDC ખાતે ફેક્ટરીઓમાં ફરનીશ ઓઇલ સપ્લાય કરી અજયભાઈ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમની ઓફિસ મેમ્કો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાછળ આવેલી છે. 2017ની સાલમાં અજયભાઈના ભાઈ નીતિન મહેતાના નામે રૂ.6 લાખની કિંમતની હોન્ડા કંપનીની બી.આર.વી કાર ખરીદ કરેલી છે.

નીતિન મહેતા ગુરુવારે રાત્રે રાજકોટથી એકસપ્રેસ હાઇવે રિંગરોડ પર આવવાના હોય અજયભાઈ ભત્રીજા હર્ષિલ સાથે તેમને લેવા માટે રિંગરોડ ગયા હતા. વસ્ત્રાલ રિંગરોડ રામોલ એક્સપ્રેસ ટોલટેક્સ પાસે હોટલ આલ્ફા પાસે હર્ષિલે કાર ઉભી રાખી હતી. હર્ષિલ કાર ચાલુ રાખી તેના પિતા નીતિનભાઈ આવ્યા કે નહીં? તે જોવા માટે નીચે ઉતરી થોડો આગળ ગયો હતો.

અજયભાઈ કારની ડ્રાઇવર સીટની બાજુમાં બેઠા હતા. તે સમયે બાઈક પર 25 વર્ષની ઉંમરના 3 યુવકો આવ્યા તેઓએ અજયભાઈને એક્સપ્રેસ વેનો રસ્તો પૂછ્યો હતો. અજયભાઈએ સામે જ છે તેવો જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક યુવક દરવાજો ખોલી ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો. આ યુવકે અજયભાઈને બંદૂક બતાવી લાફો મારી ધમકી આરી કે, નીચે ઉતર નહી તો ગોળી મારી દઈશ, ગન જોઈ હેબતાઈ ગયેલા અજયભાઈ કારમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન કાર ચાલુ હોવાથી આરોપી કારની લૂંટ ચલાવી રામોલ ટોલટેક્સ તરફ ફરાર થઈ ગયો હતો. તેની જોડે આવેલા યુવકો બાઈક લઈ નીકળી ગયા હતા.

જે બાદ અજયભાઈએ ફોન કરીને ભત્રીજાને બોલાવ્યો હતો અને તેઓ રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે રૂ.6 લાખની લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:08 pm IST)