Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સુરતના પુણાની હોસ્પિટલમાં 6 માસના પુત્રને ઉંચકીને જતી માતાનો પગ દાદર પરથી લપસતાં ગંભીર ઇજાથી બાળકનું મોત

સુરત:પુણાની હોસ્પિટલમાં ગુરૂવારે સવારે 6 માસના પુત્રને ઉચકીને માતા સોનોગ્રાફી કરવા લઈ જતા હતા તે સમયે હોસ્પિટલના દાદર પરથી માતાનો પગ લપસી જતા માતા અને પુત્રને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામેલા બાળકનું મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પર્વત ગામમાં સંતોષ નગરમાં રહેતા 6 માસનો રાજવીર અમીરસિંગ ગુરૂવારે સવારે તેની માતા દિપ્તીબેન ઉચકીને પરવટ પાટીયાની ચિરાયુ હોસ્પિટલમાં પસાર થતા હતા. ત્યારે હોસ્પિટલના દાદર પરથી દિપ્તીબેનનો પગ લપસી જતાં બાળક સાથે તે પટકાતા ઇજા થઇ હતી. જેમાં બાળકને ગંભીર ઈજા થતાં રિંગરોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું, રાજવીરને બે દિવસ પહેલા ગેસ્ટ્રો થયો હોવાથી પર્વત પાટીયાની હોસ્પિટલમાં સારવાર લેતા હતા. જોકે બાળકને ઊંચકીને માતા સોનોગ્રાફી માટે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. જ્યારે બાળકની માતા સ્કુલની શિક્ષિકા છે અને તેના પિતા હજીરાની કંપનીમાં એન્જિનિયર છે. પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો તેના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:06 pm IST)