Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સોનાના ભાવ રેકર્ડ સ્‍તરેથી ૯ હજાર રૂપિયા ગગડી ગયા : ચાંદીમાં પણ ઘટાડો

ઓગષ્‍ટ ૨૦૨૦ના સર્વોચ્‍ચ પ્રતિ ૧૦ ગ્રામના ૫૬,૨૦૦ના ભાવથી આજે ૯ હજાર સસ્‍તુ થઇ ગયું

અમદાવાદ : મલ્‍ટી કમોડિટી પર આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્‍યો છે. આ ઉપરાંત ચાંદી પણ સસ્‍તી થઈ ગઈ છે. એમસીએકસ પર સોનું માર્ચમાં ફયૂચર ટ્રેડ ૩૯ રૂપિયાના ઘટાડાની સાથે ૪૭,૨૧૭ રૂપિયાના સ્‍તર પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદી માર્ચ ફયૂચર ટ્રેડ ૧૩૦ રૂપિયાના ઘટાડાની સાથે ૬૮,૬૦૮ રૂપિયાના સ્‍તર પર ટ્રેડ કરી રહી હતી. તેમ ન્‍યુઝ-૧૮ નોંધે છે.

નોંધનીય છે કે, છેલ્લા ૬ સત્રમાંથી ૫ સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનું પોતાના ઓગસ્‍ટ ૨૦૨૦ના રેકોર્ડ હાઈ ૫૬,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્‍તરથી ૯૦૦૦ રૂપિયા સસ્‍તું થઈ ચૂક્‍યું છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અહીં પણ ગોલ્‍ડની વેચાવલી હાવી છે. સોમવારે અમેરિકામાં સોનાનો કારોબાર ૨.૯૨ ડોલરના ઘટાડાની સાથે ૧,૮,૧૧.૨૨ ડોલર પ્રતિ ઔંસના રેટ પર થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીનો કારોબાર ૦.૦૩ ડોલરની તેજી સાથે ૨૬.૯૪ ડોલરના સ્‍તર પર ટ્રેડ થઈ રહ્યો છે.

૨૨ કેરેટ ગોલ્‍ડનો ભાવ ૪૬૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ૨૪ કેરેટ ગોલ્‍ડનો ભાવ ૫૦૪૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. જયારે ચાંદીનો ભાવ ૬૮૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદીના આયાત ચાર્જ પર ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર આયાત ચાર્જમાં ૫ ટકાનો ઘટાડો કર્યો છે. હાલમાં સોના અને ચાંદી પર ૧૨.૫ ટકા ઇમ્‍પોર્ટ ડ્‍યૂટી આપવી પડે છે. ૫ ટકાના ઘટાડા બાદ માત્ર ૭.૫ ટકા ડ્‍યૂટી આપવી પડશે. તેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્‍યો.

(4:41 pm IST)