Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કડક સવાલો ના પૂછો, કોઇને કહીને ઠોકાવી દઇશઃ વડોદરા-વાઘોડિયાના ભાજપના ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવે મીડિયાને ધમકી દીધી

વડોદરા: વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાને ધમકી આપી છે. મધુ શ્રી વાસ્તવના પુત્રને ભાજપે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ના આપતા તેમણે વોર્ડ નંબર-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ થઇ શકે છે.

મધુ શ્રીવાસ્તવને મીડિયાએ તેમના પુત્રના 3 સંતાનોના માપદંડને લઇને સવાલ કર્યો હતો. ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર કોઇ ઉમેદવારના બે કે તેથી વધુ સંતાનો હોય તો તેનું ફોર્મ રદ થઇ શકે છે. મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકને 3 સંતાનો હોવાનું જાણવા મળતા મીડિયાએ તેમણે સવાલ પૂછ્યો હતો. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવ ગુસ્સે થઇ ગયા હતા અને કહ્યુ હતું કે, કડક સવાલો ના પૂછો, કોઇને કહીને ઠોકાવી દઇશ.તે બાદ મધુ શ્રીવાસ્તવે પોતાની વાત ફેરવતા કહ્યુ કે, મારા પુત્રને 2 જ સંતાન છે.

મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે કહ્યુ કે, “ત્રણ સંતાનો હોવાના પુરાવા અમે ચૂંટણી અધિકારીને રજૂ કર્યા છે. ચૂંટણી અધિકારી તમામ ઓરીજનલ પુરાવા રજૂ કર્યા છે તેમણે પુરાવાની ખરાઇ કરવા માટે સમય માંગ્યો છે.” મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, દિપક અપક્ષ લડશે તો હું પ્રચાર કરીશ. અપક્ષ ઉમેદવારી નોંધાવનારાઓને મારા આશીર્વાદ.

ભાજપ મધુશ્રીવાસ્તવ સામે પગલા લઇ શકે છે. સીઆર પાટિલે કહ્યુ કે જે કોઇ પણ પક્ષ વિરૂદ્ધ કામગીરી કરશે તો તે પગલા ભરશે. પાર્ટી વિરૂદ્ધ કાર્યવાહી કરે તો મધુ શ્રીવાસ્તવ સામે પગલા લેવાઇ શકે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી. દીપકે હુંકાર કર્યો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે.

દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ મળી નહતી.

(5:09 pm IST)