Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ગુજરાતમાં લોકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી, ૧૨ દિવસથી કોરોનાના કેસ ઘટયા છેઃ વિજયભાઈ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક બની રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજના ૧૪૦૦૦થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જ્યારે સરેરાશ ૧૨૦થી વધુ લોકો આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો કોઇ વિચાર નથી. મહત્વપૂર્ણ છે કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના ૧૦ હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા લૉકડાઉન લગાવી દીધુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'મારૂ ગામ કોરોના મુકત ગામ' અભિયાન હેઠળ કલોલના આરસોડિયા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ આંશિક લોકડાઉન અમલી છે, કેન્દ્ર સરકાર પણ ગુજરાતની સતત મદદ કરી રહી છે, કેન્દ્રની મોદી સરકારે ઓકિસજન, રેમડેસિવિર પૂરતા પ્રમાણમાં આપ્યા છે, રાજ્યમાં શરદી-તાવ હોય તેમના જ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ગામમાં આવેલો કોરોના ત્યાં જ અટકાવવો જરૂરી છે. ગામ સ્વચ્છ થશે તો ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા -યાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એકસપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રકચરના એકસપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે, અને ત્રીજી લહેરની તૈયારી. ૧૨ દિવસથી કેસ ઓછા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, બીજા રાજ્ય કરતા ગુજરાતમાં ૧ લાખ ૪૦ હજાર કોરોનાના વધુ કેસ છે, આપણે ટેસ્ટ ઓછા કર્યા નથી, ગઇકાલે પણ ૧ લાખ ૩૯ હજાર ૦૪૮ ટેસ્ટ કર્યા હતા. બીજા રાજ્ય કરતા ગુજરાતમાં પોઝિટિવિટી રેટ ૮.૫ ટકા છે, તે વધવો ના જોઇએ.

(4:34 pm IST)