Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

કોરોનાનાં સમયમાં બંધ થયેલ સુરતની લોકલ ટ્રેનો ફરી શરૂ ન થતા શ્રમીકો મુશ્‍કેલીમાં મુકાયા : ટ્રેનો ફરી શરૂ કરવા માંગ

દર મહિને હજારો રૂપિયા વાપરી મુસાફરી કરવા શ્રમીકો મજબુર બન્‍યા ! : ચોમાસાની સિઝન નજીક હોવાથી ટ્રેન તાકિદે શરૂ કરવા રજૂઆત કરાઈ

સુરતઃ કોરોના કાળનાં કારણે સામન્‍ય જનતાની કેડ ભાગી ગઈ છે. ત્‍યારે સુરત, નવસારી સહિતનાં જિલ્‍લાઓમાં કોરોના સમયે બંધ થયેલ લોકલ ટ્રેનો ફરી શરૂ ન થતા રોજ એક શહેરમાથી અન્‍ય શહેરમાં અપ-ડાઉન કરતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. અને લોકલ ટ્રેન બંધ થતા દર મહિને હજારો રૂપિયા ખર્ચિ મુસાફરો મુસાફારી કરવા મજબુર બન્‍યા છે. તેમજ ચોમાસુ સિઝન નજીક આવતા લોકલ ટ્રેન ફરી શરૂ કરવા સરકાર પાસે માંગ કરાઈ છે.

કોરોના કાળમાં જીવન થંભી ગયુ હતુ. જેમાં પણ જીવાદોરી સમાન લોકલ ટ્રેનો બંધ થતા લાખો લોકોના બજેટ ખોરવાયા છે. હવે જ્યારે કોરોના મંદ પડ્યો છે, ત્યારેપણ લોકલ ટ્રેનો શરૂ ન થતા રોજના અપડાઉન કરતા લાખો નોકરિયાતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે ચોમાસુ શરૂ થતા પૂર્વે લોકલ ટ્રેનો શરૂ થાય એવી માંગણી ઉઠવા પામી છે. નવસારી જિલ્લામાંથી રોજના લાખો લોકો રેલ મારફતે સચિન, સુરત, વલસાડ, વાપી જેવા ઔદ્યોગિક શહેરોમાં નોકરી-ધંધાર્થે અપડાઉન કરતા હોય છે.

વર્ષ 2020 માં આવેલા કાળમુખા કોરોના વાયરસને કારણે જ્યારે જિંદગી જ અટકી પડી હતી, ત્યારે કોરોનાને પ્રસરતો અટકાવવા રેલ્વેએ પણ તમામ ટ્રેનો બંધ કરી હતી. કોરોનાના કેસ હળવા થયા બાદ ધીરે ધીરે ટ્રેનો શરૂ તો થઈ, પણ સામાન્ય માણસની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો શરૂ નથી થઈ. જેને કારણે અપડાઉન કરતા લોકોએ મહિને હજારો રૂપિયા ખર્ચીને નોકરી-ધંધે જવુ પડે છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવોમાં ઓણ ધરખમ વધારો થતાં મોંઘવારીમાં ટ્રાન્સપોર્ટ પણ મોંઘા થયા છે.

એક્સપ્રેસ ટ્રેનોના ભાડા મોંઘા પડે છે અને સમયે ટ્રેન ન મળતા નોકરી ધંધાના સ્થળે પહોંચવુ મોડુ થઈ જાય છે. ખાસ કરીને નવસારી સુરત હીરા ઉદ્યોગ ક્ષેત્રે મોટા હબ છે. નવસારીથી રોજના હજારો હીરા શ્રમિકો અને ઉદ્યોગકારો પણ ટ્રેનમાં અપડાઉન કરે છે, પણ લોકલ ટ્રેન ન મળતા આર્થિક તકલીફ વેઠવા પડે છે. જ્યારે ટ્રેન કલાક, બે કલાક મોડી થઈ પડે અને સાંસદ સી. આર. પાટીલને તેમજ રેલ્વેમાં રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા અપડાઉન કરતા નોકરિયાતો અને ધંધાર્થીઓમાં સરકાર તરફે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ચોમાસુ માથે છે, ત્યારે વહેલામાં વહેલી લોકલ ટ્રેન શરૂ થાય અને સમયસર ટ્રેન મળતી થાય એવી આશા અપડાઉન કરતા મુસાફરો સેવી રહ્યા છે.

(5:36 pm IST)