Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પિતાનું પર્સ ચોરીને સાઉદી જવા નીકળેલી યુવતીને બચાવાઈ

કિશોરાવસ્થામાં ભૂલ કરી પણ બચી ગઈઃ૧૪ વર્ષની કિશોરી સિંગર બનવા સાઉદી જવા ઘરેથી નીકળી પણ સમજ ન પડતાં અટવાતા અભયમ ટીમે કાઉન્સિંલિંગ કરી પરિવારને પરત સોંપી

અમદાવાદ,તા.૮ :અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી અને સિંગર બનવાનું સપનું જોઈ રહેલી ૧૪ વર્ષની છોકરી પોતાના પિતાનું પૈસાથી ભરેલું પાકિટ લઈને મુંબઈ નહીં પણ સાઉદી અરેબિયા જવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. પરંતુ સાઉદી અરેબિયા કઈ રીતે જવું તે સમજ ના પડતા છોકરી રસ્તામાં અટવાઈ ગઈ હતી. અભયમની ટીમ દ્વારા આ છોકરીનું કાઉન્સિલિંગ કરીને તેના માતા-પિતાને પરત સોંપી છે. પોતાના ઘરે જવાની વાત આવી તો છોકરીએ કહ્યું હતું કે તેને ઘરે નથી જવું કારણ કે આમ થવાથી તેનું સિંગર બનવાનું સપનું અધૂરું રહી જશે.

મળતી વિગતો પ્રમાણે જ્યારે એક છોકરી પોતાના ઘરેથી નીકળ્યા બાદ સાઉદી અરેબિયા કઈ રીતે જવું તે ના સમજાતા રસ્તામાં એક જગ્યા પર બેસી ગઈ હતી, આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક યુવતીએ છોકરીને જોઈને તેની સાથે વાત કરી હતી અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને જાણ કરી હતી. છોકરી સાઉદી અરેબિયા જવાની ઈચ્છા ધરાવતી હોવાની માહિતી મળતા અભયમની ટીમ તાત્કાલિક જણાવેલા લોકેશન પર પહોંચી હતી.

અભયમની ટીમે છોકરી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે અમદાવાદમાં જ રહે છે અને તેણે નાનપણથી જ સિંગર બનવાનું સપનું જોયેલું છે. છોકરી માતા-પિતાને જ્યા સિંગર બનવાની વાત કરતી તો તેઓ તેને ભણવા માટે દબાણ કરતા હતા અને તેના મિત્રો પણ તેની મજાક ઉડાવતા હતા. જેના કારણે એક દિવસ તે કોઈને કહ્યા વગર ઘરેથી પિતાના રૃપિયા લઈને નીકળી ગઈ હતી.

તેણે એવી પણ દલીલ કરી હતી કે જો તેના માતા-પિતાને જાણ કરશો તો તેનું સિંગર બનવાનું સપનું તૂટી જશે. છોકરીની આખી વાત સાંભળ્યા પછી અભયમની ટીમ દ્વારા તેનું કાઉન્સિલિંગ કર્યું હતું અને તેને સમજાવ્યું હતું કે આટલી નાની ઉંમરમાં એકલા ઘરની બહાર આટલે દૂર જવું બહુ જ જોખમી છે. માતા-પિતા તેના માટે જે નિર્ણય લે છે તે તેના ઉજ્વળ ભવિષ્ય માટે લઈ રહ્યા છે. સગીરાને અભયમની ટીમે કહેલી વાત સમજાતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી.

આ પછી જ્યારે સગીરાના માતા-પિતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેમણે દીકરીને સિંગર બનવાની ના નથી પાડી પણ ભણવાનું મહત્વ સમજીને તેને ઠપકો આપ્યો છે. જોકે, પોતે ભરેલું પગલું અયોગ્ય હોવાનું જણાતા છોકરીએ માતા-પિતાની સમક્ષ પોતાની ભૂલ સ્વીકારીને તેમની માફી માગી હતી અને ફરી ક્યારેય આ રીતે ઘરની બહાર નહીં જતી રહે તેવી બાંહેધરી પણ તેણે આપી હતી.

(8:21 pm IST)