Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.ફળદુની અધ્યક્ષતામાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન

પ્રભારી મંત્રી દ્વારા જનઉપયોગી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા તાકીદ કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્યના કૃષિ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં સહભાગી થતા પ્રભારીમંત્રીએ જનપ્રતિનિધિઓ અને અમલીકરણ અધિકારીઓને જનઉપયોગી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે તાકીદ કરી હતી. મંત્રીએ કહ્યું કે, આપણે લોકચર્ચામાંથી એજન્ડા તૈયાર કરી અને પંચાયત તેમ જ નગરપાલિકા સ્તરના કામનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે  આ કામો વધુ જનઉપયોગી બની રહી તેની પણ વિશેષ કાળજી લઈએ.
પ્રભારીમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિએ જનમત મેળવ્યા બાદ સર્વ-સમાજનું કામ કરવું જોઈએ, પારદર્શકતાથી કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, પ્રજાને સ્વભાવિકપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અપેક્ષા હોય જ અને એટલે જ મંજૂર થયેલા કામ સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેવુ સુચારુ આયોજન કરીએ.
આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ પણ અમલીકરણ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. જિલ્લા કલેક્ટરએ તમામ અધિકારીઓને સમયબદ્ધ અમલીકરણ દ્વારા ગ્રાન્ટનો અર્થપૂર્ણ ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ પારુબહેન પઢાર, અમદાવાદ મહાનગરપાલિકા મેયર કિરીટભાઈ પરમાર તેમ જ વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તેમ જ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા સહિતના ઉચ્ચઅધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

(9:03 pm IST)