Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વિદ્યાર્થીની ભૂલથી પિતાના ખાતામાંથી ૧.૩૬ લાખ ગાયબ

અભ્યાસ માટે છાત્રને મોબાઈલ આપવો ભારે પડ્યો : સાયબર ઠગ એક બાળક તરીકે વર્તે છે અને ઓનલાઈન ગેમમાં લિંક મોકલીને ફોનમાંનો તમામ ડેટા ચોરી લે છે

અમદાવાદ, તા.૭ : ૧૫ વર્ષના વિદ્યાર્થી રોહનની એક ભૂલ તેના પિતાને ભારે પડી ગઈ છે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારે રોહનનો ઓનલાઈન અભ્યાસ શરૂ થતાં તેના સરકારી કર્મચારી પિતાએ પોતાનો મોબાઈલ આપ્યો હતો. આ જ સમયગાળામાં રોહનને ઓનલાઈન ગેમ્સ રમવાની ટેવ પડી ગઈ હતી. લગભગ એકાદ અઠવાડિયા પહેલા રોહન તેના પિતાના ફોનમાંથી ગેમ રમતો હતો ત્યારે એક લિંક પોપ-અપ થઈ હતી. ઓનલાઈન છેતરપિંડીથી અજાણ રોહને આ લિંક પર ક્લિક કર્યું હતું.

લગભગ એકાદ કલાકમાં જ તેના પિતાના બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ૧.૩૬ લાખ ઉપડી ગયા હતા. આવો માત્ર એક કેસ નથી કારણકે તાજેતરમાં જ સાયબર સેલે સોશિયલ મીડિયા ડ્રાઈવ યોજી હતી જેમાં તેમણે લોકોને ઓનલાઈન ગેમ રમવાના ખતરાથી વાકેફ કર્યા હતા. સાયબર ક્રાઈમે જણાવ્યું હતું કે, કેવી રીતે સાયબર ઠગ એક બાળક તરીકે વર્તે છે અને ઓનલાઈન ગેમ દરમિયાન જ લોકોને લિંક મોકલે છે.

સામેવાળી વ્યક્તિ બાળક હોવાથી અજાણતાં જ તે લિંક પર ક્લિક કરી દે છે અને ત્યારબાદ તે ફોનમાં રહેલો તમામ ડેટા ચોરાઈ જાય છે. સાયબર સેલના એક અધિકારીએ કહ્યું હતું કે, સાયબર ઠગ તે ડેટાનો ઉપયોગ કરીને તમારા બેંક ખાતાની માહિતી સેરવી લે છે. બાદમાં આ માહિતીનો ઉપયોગ કરીને સાયબર ઠગ તમારા બેંક ખાતામાંથી રૂપિયા કાઢી લે છે.

અધિકારીએ ઉમેર્યું હતું કે, કોવિડ-૧૯ દરમિયાન આ પ્રકારના કેસમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલુ હોવાથી બાળકો પોતાના વાલીના મોબાઈલ, ટેબલેટ કે લેપટોપ પર અભ્યાસ કરતા હોય છે. જેનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ છેતરપિંડી આચરતા હોય છે.

આ પ્રકારના સાયબર અટેક થાય ત્યારે પણ ઓનલાઈન ગેમ રમનાર બાળક કોઈ ખાસ પ્રકારની ગેમ સર્ચ એન્જિન પરથી શોધી રહ્યા હોય છે. સાયબર ઠગો સર્ચ એન્જિનમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરીને ગેમના નામની એક બોગસ લિંક નાખી દેતા હોય છે. બાળક જ્યારે ગેમ શોધવાના પ્રયાસમાં રહે છે ત્યારે તે મને એક જુદી જ વેબસાઈટ પર લઈ જાય છે.

આ વેબસાઈટ મોબાઈલ ફોન પર રહેલો તમામ ડેટા ચોરી કરી લે છે. જેનો ઉપયોગ કરી સાયબર ઠગો છેતરપિંડી કરતા હોય છે. સ્ટેટ સાયબર ક્રાઈમના એસ.પી. સૌરભ તોલંબીયાએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારના સોશિયલ મીડિયા અભિયાન ચલાવી રહ્યા છે કે જેથી લોકોને સાયબર ઠગોથી સાવચેત કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સાયબર ઠગો ખાસ કરીને બાળકોને નિશાન બનાવતા હોય છે કારણકે તેઓ સરળ ટાર્ગેટ હોય છે.

(9:02 pm IST)