Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

પાણીમાં દારૂ નહીં ગટરનું પાણી ભળી ગયું હતું

નાગરિકોની પાણીમાં દારૂ ભળ્યો હોવાની ફરિયાદ : લોકોની ફરિયાદ બાદ પાણીનો ફોરેન્સિક રિપોર્ટ કરાવાતા ગટરનું પાણી મિક્સ થતાં ગંધ આવતી હોવાનું જણાયું

અમદાવાદ, તા.૭ : શહેરના સરખેજ વિસ્તારના લગભગ ૪૦ ઘરના લોકોની પાછલા ઘણાં દિવસથી ફરિયાદ હતી કે તેમના નળમાંથી જે પાણી આવે છે તેમાંથી દારૂની દુર્ગંધ આવે છે. તેમની ફરિયાદ હતી કે નળમાંથી જે પાણી આવે છે તેની સાથે કોઈ પ્રકારે દારૂ મિક્સ થઈને આવે છે. સરખેજ પોલીસના અધિકારીએ સોમવારના રોજ જણાવ્યું કે, પાણીનો ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યો છે અને સામે આવ્યું છે કે રહીશોને મળતા પાણીની સાથે ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોવાને કારણે આ પ્રકારની દુર્ગંધ આવતી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને ફરિયાદ મળી હતી કે પાણીમાં કોઈ પ્રકારે દારૂ ભળી ગયો હોય તેવી દુર્ગંધ પાણીમાંથી આવે છે.

અમે આ બાબતે તપાસ શરુ કરી અને પાણીના નમૂનાને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા. રિપોર્ટ અનુસાર પાણીમાંથી કોઈ પણ પ્રકારના દારૂ અથવા માદક તત્વો નથી મળી આવ્યા, પરંતુ અત્યંત વધારે પ્રમાણમાં ઈ-કોલી અને મળના તત્વો મળી આવ્યા છે, જે ઘણી ચિંતાજનક બાબત છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હવે આ મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતો હોવાને કારણે તેમણે કોઈ ફરિયાદ નોંધી નથી. પોલીસને જ્યારે પૂછવામાં આવ્યું કે, નાગરિકોના જીવનને નુકસાન પહોંચાડતી આ પ્રકારની ભૂલ માટે ફરિયાદ કેમ નોંધવામાં નથી આવી તો તેમણે જણાવ્યું કે, આ ભૂલ જાણીજોઈને કરવામાં નથી આવી, તંત્રના કારીગરો દ્વારા ગટરનું સમારકામ કરવામાં આવી રહ્યુ હતું અને તે દરમિયાન ગટરનું પાણી પાણીની પાઈપલાઈન સાથે ભળી ગયું.

ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ સરખેજ વિસ્તારમાં રહેતા ૪૦ ઘરના સભ્યોએ ફરિયાદ કરી હતી કે પાછલા એક મહિનાથી તેમના પાણીમાંથી દારૂની દુર્ગંધ આવે છે. પુરાવા તરીકે એક રહીશે સવારના સમયે મ્યુનિપાલિટીનું જે પાણી આવે છે તે બોટલમાં ભરીને રજૂ કર્યુ હતું. આ દુષિત પાણી અધિકારીઓને સોંપી દેવામાં આવ્યુ હતું. સ્થાનિકોનો આરોપ છે કે તે વિસ્તારમાં રહેતા અમુક લોકો દારૂનું ઉત્પાદન કરે છે અને તે કચરો ગટરમાં ઠાલવે છે, જેના કારણે શક્ય છે કે પાણીમાં દારૂની દુર્ગંધ આવતી હોય. આ ફરિયાદ પછી સરખેજ પોલીસ કાર્યરત થઈ હતી અને પાણીના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતા, જેમાં સાબિત થયુ હતું કે પાણીમાં દારૂનો ભાગ નથી, પરંતુ ગટરનું પાણી ભળી ગયું છે.

(9:01 pm IST)