Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સુરતમાં મિત્રએ દગો કરી મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું

મિત્રને રાતે કામ હોવાનું કહી પોતાના ઘરે બોલાવ્યો : મિત્રને પોતાના ઘરે બોલાવી આરોપીએ મિત્રના ઘરે પહોંચી જઈ ઘરમાં ઘૂસીને પરીણિતા પર દુષ્કર્મ આચર્યું

સુરત, તા.૭ : વ્યક્તિ આવેશમાં આવીને શું કરી બેસે છે તેનું તેને ભાન નથી રહેતું, પરંતુ સમય જતા પોતે કરેલા ગુના માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે. સુરતમાં બનેલી ઘટનામાં અડધી રાત્રે ફ્રેન્ડને મળવા માટે બોલાવવાના બહાને તેના ઘરે પહોંચી જઈને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.

સુરતના અમરોલીમાં બનેલી આ ઘટનામાં પોલીસે ૨૦ વર્ષના કોલાડ આવાસમાં રહેતા સોહેલ ઉર્ફે જનતા ઈબ્રાહીમ પટેલની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. રિપોર્ટ્સ મુજબ અમરોલીના વરીયાવ વિસ્તારમાં બનેલી ઘટનામાં જાવેદ (નામ બદલ્યું છે)એ અડધી રાત્રે ૨ વાગ્યે તેના મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઈબ્રાહીમ પટેલનો ફોન આવતા તેને જરુરી કામ હશે તેમ વિચારીને તેને મળવા માટે ગયો હતો.

પરંતુ સોહેલના મગજમાં જે વિચારો ભમી રહ્યા હતા તેનાથી જાવેદ અજાણ હતો. જાવેદ મિત્રને મદદની જરુર હોવાનું વિચારીને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો હતો. જાવેદ જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો તો તેણે જોયું કે સોહેલ ત્યાં હતો જ નહીં, આ પછી તે ફોન જોવા લાગ્યો હતો, અને સોહેલની રાહ જોતો ઉભો રહ્યો હતો.

જોકે, જાવેદને ખ્યાલ ના આવે તે રીતે સોહેલ જાવેદના ઘરે ત્રીજા માળે પહોંચી ગયો હતો. સોહેલે જાવેદના ઘરનો ડોરબેલ વગાડ્યો ત્યારે અંદર રહેલી પરિણીતાને પતિ આવ્યો હોવાનું લાગ્યું, તેણે દરવાજો ખોલ્યો તો જોયું કે દરવાજા પર તેનો પતિ નહીં પરંતુ પતિનો મિત્ર સોહેલ હતો. અહીંથી બળજબરી પૂર્વક સોહેલ મિત્ર જાવેદની પત્નીને રૂમમાં લઈ ગયો અને તેને ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન જાવેદના બન્ને બાળકો પણ સૂતા હતા. મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યા બાદ સોહેલ જાવેદને ખબર ના પડે તે રીતે ત્યાંથી નાસી ગયો હતો. જોકે, આ પછી તેણે જાવેદને ફોન કરીને તેની પત્ની સાથે જે ગંદું કૃત્યુ કર્યું હતું તેના વિશે જાણ કરી હતી. જાવેદ હાંફળો-ફાંફળો થઈને તેની પત્ની પાસે ગયો અને પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે મિત્ર સોહેલે તેની સાથે દગો ક્યો અને ગેમ રમી ગયો.

બનાવ અંગે જાવેદે તેના પરિવારને જાણ કરી અને આ પછી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં સોહેલની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. હવે આ કેસમાં કોઈ અંગત અદાવતમાં આ પગલું ભર્યું છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ કરીને આરોપી સામે જરુરી ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

(9:01 pm IST)