Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

શિક્ષકોની ઘટ વચ્ચે સ્કૂલ ઓફ એક્સેલન્સ અને PPP મોડલના નામે શિક્ષણના ખાનગીકરણને રોકવા માંગ

ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી :PPP ના ધોરણે 1 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે પણ સંસ્થાઓ પાસેથી માહિતી માંગતી જાહેરાત સરકારે આપી

ગાંધીનગર: ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા 40 કરતા વધુ બિનશૈક્ષણિક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જેના કારણે વર્ગખંડ શિક્ષણ પર મોટી અસર પડી રહી છે. જવાહર નવોદય, સૈનિક શાળા, સ્પોર્ટસ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એકલવ્ય મોડેલ સ્કૂલ વગેરેમાં મોટા પાયે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા જે તે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે જેની સીધી અસર શિક્ષકોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્ય સરકારે ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી – લટકાવી રાખી છે.

કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકાર સ્કુલ ઓફ એક્સલન્સ માટે ધોરણ- 6 થી 8 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા જાહેરાત આપેલ છે તેમજ PPP ના ધોરણે 1 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે પણ સંસ્થાઓ પાસેથી માહિતી માંગતી જાહેરાત સરકારે આપી દીધી છે. સ્કૂલ ઓફ એજ્યુકેશન – PPP ધોરણે યોજનાથી સરકારી શિક્ષણનું ખાનગીકરણ કરવા તરફ સરકારનું વધુ એક પગલું છે.

સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે સરકાર મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર (RTE) નો છેદ ઉડાવીને ગરીબ – મધ્યમવર્ગના પરિવારોનો શિક્ષણનો અધિકાર છીનવી લેવા જઈ રહી છે. ઓછી સંખ્યાના નામે સરકારી શાળાઓ બંધ કરવાના સરકારના અવિચારી નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં મોટી મુશ્કેલી ઉભી થઈ રહી છે. અંતર હોવાને લીધે વિદ્યાર્થીઓ બાજુની શાળામાં ન જવાને બદલે ખાનગી શાળામાં મજબૂરીથી જશે. ખાનગીકરણને પ્રોત્સાહન મળશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં શિક્ષણ દિવસે – દિવસે મોંઘુ થતું જાય છે. ઓછી સંખ્યાના નામે 6000 જેટલી સરકારી શાળાઓ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ પર મોટી અસર પડશે. ખાસ કરીને કન્યા શિક્ષણમાં મોટો ડ્રોપઆઉટ ઊભો થશે. સ્કુલ ઓફ એજ્યુકેસન્સમાં તમામ શાળાઓમાં મેરીટના આધારે પ્રવેશ આપવાનો થાય છે તો નબળા અને વંચિત વિદ્યાર્થીઓને શું ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રાખીશુ ? તમામ સુવિધાઓ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા કરતા હયાત સરકારી શાળાઓમાં આ અંગે રાજ્ય સરકાર શિક્ષણમાં કેમ કામગીરી હાથ ધરતું નથી ? હોસ્પિટલો, એરપોર્ટ, વીજળી વગેરેના ખાનગીકરણનો આંચકો ગુજરાતે અનુભવ્યો છે.

(9:55 pm IST)