Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

25મીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 બેઠકોની ચૂંટણી :બે બેઠકો બિનહરીફ

બાકી રહેલી 7 બેઠકો માટે 24 જેટલા ઉમેદવારો મેદાનમાં : આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઇ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 બેઠકોની ચૂંટણી 25મી સપ્ટેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે. જાહેરાતની સાથે છેલ્લાં ઘણાં સમયથી ચૂંટણીની તારીખની કાગડોળે રાહ જોઇને બેઠેલાં શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ચૂંટણીની તારીખ હવે જાહેર થઇ જતાં ચૂંટણી પ્રચારની કામગીરી ધમધમશે. કોરોનાના કેસો ઘટતા બોર્ડ દ્વારા આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

શિક્ષણ બોર્ડની 9 બેઠકો માટે ચૂંટણી યોજનાર હતી. જેમાં 9 બેઠકો માટે 72 જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 ફોર્મ ગેરમાન્ય રહ્યા બાદ 62 ઉમેદવારો બાકી રહ્યા હતા. પૈકી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના લીધે બી.એડ. કોલેજના પ્રિન્સિપાલની અને સરકારી હાઈસ્કૂલના શિક્ષકની બે બેઠકો બિન હરીફ થઈ હતી. જ્યારે બાકી રહેલી 7 બેઠકો માટે 24 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

હાલમાં શાળાના આચાર્યની બેઠક પર 3 ઉમેદવાર, માધ્યમિક શિક્ષક માટે 2 ઉમેદવારો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે 3 ઉમેદવાર, વહીવટી કર્મચારીની બેઠક માટે 2 ઉમેદવાર, વાલી મંડળની બેઠક માટે 4 ઉમેદવાર, ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય-શિક્ષકની બેઠક માટે 4 ઉમેદવાર અને સંચાલક મંડળની બેઠક માટે 6 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

કોરોનાના કારણે ચૂંટણીમાં જેટલી પ્રક્રિયા પુર્ણ થઈ છે તે માન્ય રાખી બાકીની પ્રક્રિયા અગાઉ મોકુફ રાખી હતી. જેથી હવે ચૂંટણીમાં માત્ર મતદાનની પ્રક્રિયા બાકી છે.

રાજ્યમાં હવે કોરોનાના કેસો ઓછા થવાથી તથા વિવિધ ક્ષેત્રોમાં તબક્કાવાર ચૂંટણીઓની જાહેરાત સરકાર દ્વારા થઈ રહી છે ત્યારે શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈને પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા હોવાથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી ચૂંટણી માટે તૈયાર રહેવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુચના આપી હતી. સંચાલક મંડળની એક બેઠક પર 6 જેટલા ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉમેદવારને જીતાડવા માટે સંચાલકોને જણાવાયું છે.

સામાન્ય ચુંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર રાજયમાં બોર્ડની સામાન્ય ચૂંટણી માટેની આચારસંહિતા 7મીથી 28મી સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. સમયગાળા દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાતા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજી શકાશે નહીં. અગાઉ મંજુરી આપી હોય તો તે રદ કરવાની રહેશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી સિવાય કોઇપણ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કે સંચાલક મંડળો દ્રારા ચૂંટણી પ્રચાર સિવાયના કોઇ જાહેર કાર્યક્રમો યોજી શકાશે નહીં. અને જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા શૈક્ષણિક, બિન શૈક્ષણિક કે સંચાલક મંડળો સાથે શાળા સંચાલક અંગેની જરૂરિયાતવાળી વહીવટી કે શૈક્ષણિક કામગીરી સિવાયની અન્ય કોઇ બેઠકો યોજી શકાશે નહીં.

 

(10:05 pm IST)