Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ગાંધીધામમાં બે સફાઈ કામદારના મોતના કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

કોન્ટ્રાક્ટરના સલામતીકર્મી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

ગાંધીધામઃ ગાંધીધામમાં ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશનમાં કોઈ જ સુરક્ષા ઉપકરણો વગર સફાઈ માટે ઉતરેલા સફાઈ કામદાર અને સુપરવાઈઝરના ઝેરી ગેસથી ગૂંગળાઈને થયેલાં મોત અંગે કોન્ટ્રાક્ટરના સલામતીકર્મી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. મરણ જનાર સુપરવાઈઝર મુકેશ ચાવડાના કૌટુંબિક ભત્રીજા મુકેશ મ્યાજરભાઈ ચાવડાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં કિરણભાઈ ભરતભાઈ કટારીયા (રહે. સેક્ટર- ૭, ગાંધીધામ) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ મરણ જનાર ગુરુનન્હે પ્રસાદ નામના સફાઈ કામદારને સેફ્ટીના સાધનો જેવા કે બેલ્ટ, હેલમેટ, માસ્ક અને પ્રોટેક્ટીવ પોશાક નહીં આપીને પમ્પિંગ સ્ટેશનની ચેમ્બરની અંદર જેટીંગ લાઈનની સફાઈ માટે ઉતાર્યો હતો. ગુરુનન્હે પ્રસાદ સીડી વાટે નીચે ઉતરતો હતો ત્યારે પગ લપસી જતાં અંદર પડી ગયો હતો. તેને બચાવવા જતાં સુપરવાઈઝર મુકેશ ચાવડા પણ અંદર ઉતર્યો હતો અને ઝેરી ગેસથી ગૂંગળાઈને બેઉના મોત નીપજ્યાં હતા. ફરિયાદમાં કટારીયા ઉપરાંત તપાસમાં જે કોઈની બેજવાબદારી નીકળે તેની સામે ગુનો નોંધાવાયો છે.

(10:17 pm IST)