Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમદાવાદના નારોલ સ્થિત ટેક્ષટાઇલ પ્રોસેસીંગમાં કામ કરતાં કામદારોની દયનિય હાલત

કામદારોનો જીવનનિર્વાહ અને સ્વાસ્થ્યની રક્ષા વચ્ચે સતત સંઘર્ષ : જોખમો વિશે કોઇ પૂર્વ તાલિમ અથવા માહિતી નહીં :રક્ષણાત્મક સાધનોની ગેરહાજરી, કામદારોને દરરોજ દાઝવું અને ઇજાઓ અને ધૂળના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાના કારણે ફેફસાની બીમારીની ભીતિ: માત્ર 17 ટકા લોકોએ પી.એફ અથવા ઇએસઆઇ કપાતો : 83 ટકા સામાજિક સુરક્ષા કવચ વગર

અમદાવાદ શહેરના નારોલમાં આવેલા ટેક્ષટાઇલ પ્રોસેસીંગ ફેકટરીઓમાં કામ કરતાં કામદારો પૈકી 96 ટકા કામદારો કરાર રૂપે અથવા આકસ્મિક રીતે કોઇ લેખિત કરાર વગર મૈખિક શરતો પર કામ કરી રહ્યાં છે. જેમાંથી ઘણાંને રોજેરોજ રોકડ રકમ ચુકવી દેવામાં આવે છે. અથવા પીસ-રેટ પર ચૂકવણી કરવામાં આવે છે. સર્વેમાં માત્ર 17 ટકા લોકોએ પી.એફ અથવા ઇએસઆઇ કપાતો હોવાનું જણાવ્યું હતું. આમ કામદારો પાસે નોકરી અંગેનું કોઇ દસ્તાવેજ નહીં હોવાનું શુભમ કૌશલે જણાવ્યું હતું.

નારોલમાં આવેલા ટેક્ષટાઇલ પ્રોસેસીંગ ફેકટરીઓમાં સર્જાતી આગની દુર્ઘટના બની હતી. આ ઘટનાઓને ધ્યાનમાં લઇને ફેકટરીઓમાં કામ કરવાની પરિસ્થિતિ તેમ જ મજૂરોની કામ કરવાની પધ્ધતિઓનો આજીવિકા બ્યુરો અને કારખાના શ્રમિક સુરક્ષા સંઘ દ્રારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળેલી હકીકતો પત્રકારો સમક્ષ રજૂ કરતાં આજીવિકા બ્યુરોના શુભમ કૌશલે જણાવ્યું કે, અમદાવાદના નારોલ સ્થિત મુખ્ય ગારમેન્ટ અને ટેક્ષટાઇનલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં કામ કરતાં 95 કામદારોનો સર્વે કરવામાં આવ્યો હતો.

જેમાં 67 ટકા લોકો 18થી 35 વય જૂથના છે. ફેકટરીઓમાં સલામતિની ગેરહાજરી હોવાનુ બહાર આવ્યું છે. કારણ કે પ્રોસેસીંગ કાર્યમાં એસિડ, આલ્કલી અને અન્ય જોખમી રસાયણોનો ઉપયોગ અને ફ્રેબ્રિક ડસ્ટ પેદા થાય છે. 94થી 96 ટકા કામદારોએ તેમના કામમાં હાજર વ્યવાસાયિક જોખમો વિશે કોઇ પૂર્વ તાલિમ અથવા માહિતી આપી નથી. આ સાથે રક્ષણાત્મક સાધનોની ગેરહાજરી, કામદારોને દરરોજ દાઝવું અને ઇજાઓ અને ધૂળના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાના કારણે ફેફસાંના રોગોની સંવેદનશીલતાનો સામનો કરવો પડે છે. કામદારો જીવનનિર્વાહ અને તેમના સ્વાસ્થ્યની રક્ષા વચ્ચે સતત સંઘર્ષમાં રહે છે.

વધુમાં જણાવ્યું હતું કે, 71 ટકા કામદારો એક જ પરિસરમાં ઓછામાં ઓછા એક વર્ષથી કામ કરતાં હોવાનું જણાયું હતું. તેમાંથી 83 ટકા સામાજિક સુરક્ષા કવચ વગર હતા. ઘણાં કિસ્સાઓમાં તેમના કામના સ્થળે પર્યાપ્ત આશ્રય અથવા મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હતો. 98 ટકા કામદારોએ 12 કલાકની શીફ્ટમાં કામ કરવાની જાણ કરી હતી. જેમાં ઓવરટાઇમ વળતર આપવામાં આવતું નથી. કામનો સમય પણ ઘણીવાર અણધાર્યો હોય છે. તમામ લોકોએ તેમના કાર્યસ્થળ પર અસહ્ય ગરમીની ફરિયાદ કરી હતી. 88 ટકા ફેકટરીઓમાં પંખો અને 50 ટકા એકઝોસ્ટ ફેન હોવા છતાં પણ 96 ટકા કામદારોએ ફ્રેબિક ધૂળ અને ધૂમાડાની હાજરીની જાણ કરી હતી. 97 ટકાએ કઠોર રસાણોના નિયમિત સંપર્કનો ઉલ્લેખ કર્યો છે. જે ત્વચા, આંખો, નાક અને ગળામાં બળતરા અને બળતરાનું કારણ બને છે. તો 88 ટકા કામદારોએ અતિશય અવાજ ઉત્પન્ન કરતા મશીનોની સાથે કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.

કૌશલે વધુમાં સર્વેના તારણો જણાવતાં કહ્યું કે, 71 ટકા કામદારો દ્રારા ખુલ્લાં વીજળીના વાયરની જાણ કરી હતી. અન્ય વીજળી ઉપકરણોની બેદરકાર જાળવણી આ ફેકટરીમઓમાં સામાન્ય દ્દશ્ય હોવાનું જણાવ્યું હતું. 97 ટકાએ પુષ્ટિ કરી હતી કે જવલનશીલ સામગ્રી જેમ કે ફ્રેબ્રિક ડસ્ટ, જોખમી રસાયણો અ કાપડની સામગ્રી તેમના કાર્યસ્થળ પર જોવા મળ્યા હતા. વાયર, ઇલેક્ટ્રીક પેનલ અને લાઇટ ફીટીંગ પર ફ્રેબ્રિક ડસ્ટનો સંગ્રહ પણ પ્રંચડ છે. જે ખુલ્લા લાઇવ વાયરમાં શોર્ટ સર્કિટ અને તૂટેલા સ્વીચના કારણે આગ પકડવા માટે અત્યંત સંવેદનશીલ છે. તેની સામે 74 ટકા કામદારો દ્રારા કાર્ય પરિસરમાં અગ્નિશામક સાધનો ઉપલબ્ધ હોવાનું કહ્યું હતુ. તેમાંથી 47 ટકાએ અગ્નિશામકોની નિયમિત સર્વિસ અને પરીક્ષણ કરવામાં આવતું નહીં હોવાનું જણાવ્યું હતું.

જો ફેકટરીઓમાં આગ અકસ્માત થાય તો 44 ટકા કામદારોએ કહ્યું કે, લારીઓ, કાપડના રોલ, પેક કરેલી સામગ્રી અને રાસાયણિક કન્ટેનરો કામદારો માટે કોઇપણ અવરોધ વિના બહાર નીકળવામાં મોટી મુશ્કેલી સાબિત થશે. કાચા માલથી ભરેલી લારીઓ, આડેધડ સ્ટોકીંગ જેવી રોજીંદી કામગીરીની જરૂરિયાતના કારણે માર્ગો અને બચવાના માધ્યમોમાં અવરોધરૂ હોવાનું 82 ટકા કામદારોએ જણાવ્યું હતું તો 93 ટકા કામદારો માને છે કે કોઇપણ અવરોધો વિના બહાર નીકળવામાં માલ સામગ્રીનો સ્ટોક સમસ્યા ઊભી કરશે.

તેમાંય વળી 88 ટકા કામદારોએ કેમિકલ કન્ટેન્ર ડ્રમ્સ મશીનો, કોરિડોર અને દરવાજાની આસપાસ પડેલાં હોવાનું જણાવ્યું હતું. જેના કારણે કટોકટીની સ્થિતિમાં તેમના કામના સ્થળેથી બહાર નીકળવામાં તેમને 30થી 60 મીનીટનો સમય લાગશે. તો 62.5 ટકા કામદારોના જણાવ્યા મુજબ તેઓ માત્ર બે ફાયર એક્ઝીટમાંથી બહાર આવી શકે છે. પરંતુ તેનો ઉપયોગ ઓછામાં ઓછા 250 કામદારો દ્રારા કરવામાં આવશે. તેથીય વિશેષ 95 ટકા કામદારોના જણાવ્યા પ્રમાણે ફેકટરીઓમાં ફાયર એલાર્મની ગેરહાજરી પણ જાહેર કરી હતી.

(9:23 am IST)