Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

શાળાઓ ખુલી, મધ્યાહ્ન ભોજન હમણા ચાલુ નહિ થાય

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના અડધો કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભોજનના લાભાર્થી : ભોજનના વિકલ્પે વિદ્યાર્થીઓને ઘઉં-ચોખા અને આર્થિક સહાય : શાળાઓ રાબેતા મુજબ ધમધમે પછી ભોજન અપાશે

રાજકોટ,તા. ૮: ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળઓના વિદ્યાર્થીઓને શાળામાં બપોરે અપાતા ભોજનને કોરોનાના કારણે બ્રેક લાગી છે. ક્રમશઃ શાળાઓ ખુલી રહી છે પણ સરકાર મધ્યાહ્ન ભોજન યોજના પુનઃચાલુ કરવામાં ઉતાવળ કરવા માંગતી નથી.

શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્ન ભોજન યોજનાના લાભાર્થીઓ છે. શાળાઓ બંધ થઇ તે વખતથી વિદ્યાર્થીઓને ભોજનના વિકલ્પે નિયત માત્રામાં ઘઉં-ચોખા તથા રસોઇ ખર્ચના વિકલ્પે વિદ્યાર્થીઓના ખાતામાં નાણા જમા કરવામાં આવે છે.

હાલ ધો. ૬ થી ૮ ના વર્ગો શરૂ થયા છે. જેમાં હજુ ૧૦૦ ટકા હાજરી નથી. ટૂંક સમયમાં ધો. ૧ થી ૫નું વર્ગ શિક્ષણ શરૂ થવાની શકયતા છે. કયાં ધોરણના કેટલા બાળકો શાળાએ આવશે ? તે નક્કી કરવું હાલ મુશ્કેલ છે. જ્યાં સુધી ૧ થી ૮ના વિદ્યાર્થીઓની પુરતી હાજરી ન થાય અને શાળાઓ અગાઉ જેમ ધમધમતી ન થાય ત્યાં સુધી સરકાર મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ કરવાના મતમાં નથી.

(11:11 am IST)