Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

દક્ષિણ ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાનઃ ડેડીયાપાડામાં ૯ ઈંચ

શાગબારા ૬ ઈંચ, પલસાણા અને સુરત સીટી ૫ ઈંચ, નવસારી ૪ ઈંચ અને વાપી સાડા ત્રણ ઈંચઃ પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં બે ઈંચ સુધીનો હળવો વરસાદઃ ઉત્તર ગુજરાતમાં ઝરમર ઝાપટા, કચ્છડો કોરો ધાકડ ઉકાઈ ડેમમાં એક લાખ કયુસેક પાણીની આવકને પગલે ડેમની જળ સપાટી ૩૩૯ ફૂટ નજીક

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી, તા.૮:   ચોમાસાની આ સિઝનમાં વરસાદની ઘટ વચ્ચે ભાદરવા માસના પ્રારંભમાં મેઘરાજા જાણે ટાર્ગેટ પૂરો કરવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત પંથકમાં મેઘરાજા કેટલાક વિસ્તારોમાં મન મૂકીને વરસતાં નવ ઈચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં બે ઇંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઝરમર ઝાપટા થી માત્ર એકાદ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે જેની સામે કચ્છમાં મેઘરાજા વિરામ ઉપર જણાવ્યા છે.

સુરત પંથકમાં ગઈકાલે બપોરથી જ મેઘરાજા વરસતા માત્ર ચારેક ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા વહીવટીતંત્ર એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યું છે ત્યારે બીજીબાજુ આટલા જ વરસાદમાં મેઘરાજાએ વહીવટી તંત્રની પોલ ખોલી હતી.

નર્મદા જિલ્લા ઉપર પણ મેઘો ઓળઘોળ બન્યો હતો. જેને પગલે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાતા જનજીવન ખોરવાયું હતું. નવસારી તથા વાપી વલસાડ ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવતાં કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે આજે સવારે ૭ ના આંકડા અનુસાર ડેમમાં ૧૦૧૭૪૨ ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમની જળ સપાટી વધીને ૩૩૩.૮૬ ફૂટે પહોંચી છે આ ઉપરાંત મધુ બંધની જળ સપાટી ૭૭. ૨૫ મીટર પર પહોંચી છે ડેમમાં ૧૧ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

 ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.... ડેડીયાપાડા ૨૨૦ મીમી, શાગબારા ૧૪૨ મીમી, પલસાણા ૧૨૭, સુરત સીટી ૧૧૨, ઉમરપાડા ૧૦૭, નવસારી ૯૮ નેત્રંગ ૮૮, ચીખલી અને વાપી ૮૬મીમી, જલાલપોર ૮૪ વલસાડ ૭૯ કામરેજ ૭૮ ગણદેવી ૭૬ ઉમરગામ ૬૭ વઘઈ ૬૫ બારડોલી ૬૨મીમી, ચોર્યાશી   ૫૯ મીમી, હાંસોટ ૫૮ ઓલપાડ ૫૬ હાલોલ ૫૫ ધરમપુર ૫૩ મહુવા અને વાંસદા ૫૨ અને તિલકવાડા ૫૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત ડોલવણ અને માંગરોળ ૫૦ મીમી, અંકલેશ્વર અને વાલિયા ૪૮ કુકરમુંડા ૪૬ ભેસાણ ૪૪ નિઝર ૪૩ ભરૂચ ૪૨ સોનગઢ ૪૦ દેવગઢબારિયા ૩૯ ઝઘડિયા અને પારડી ૩૮ નસવાડી અને વાલોડ ૩૭ ખેરગામ ૩૬ ગરુડેશ્વર ૩૨ છોટાઉદેપુર અને વાગરા તથા કપરાડા અને આહવા ૩૧...૩૧ મીમી, સુબીર ૩૦ મી.મી નાંદોદ ૨૯મી અને માંડવી ૨૬ મિ.મી વરસાદ નોંધાયો છે.

મોરવા હડફ ૨૫મીમી, સિનોર અને ગોધરા તેમજ વ્યારા ૨૪મી દાંતીવાડા ૨૨ મિ.મી કવાટ કલોલ અને ધાનપુર પણ ૨૨ મિ.મી વડોદરા અને આમોદ ૨૧ મી દેત્રોજ અને ઘોઘંબા ૨૦મી સંતરામપુર ૧૮મી સંજેલી ૧૭મી ડીસા અને ડભોઇ ૧૬મી વરસાદ નોંધાયેલ છે આ ઉપરાંત રાજ્યના ૧૨૭ તાલુકાઓમાં એક મિનિટ થી લઈ ૧૫ મિનિટ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(11:42 am IST)