Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ એનડીઆરએફની ટીમ તૈયાર

જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ સમગ્ર રાજયમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં સારા પ્રમાણમાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આગામી ત્રણ દિવસ પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ સાથે એનડીઆરએફની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.

રાજયમાં અત્યાર સુધી ૪૨૭.૦૬ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૫૦.૮૪ ટકા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.

ભારેથી અતિભારે વરસાદને કારણે એન.ડી.આર.એફ.ની કુલ ૮ ટીમોને ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ મોકલવામાં આવી છે. આ સાથે ૬ ટીમ વડોદરા અને ૧ ટીમ ગાંધીનગર ખાતે તૈયાર રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.

(11:43 am IST)